અમદાવાદ, સુરત બાદ ભાવનગરમાં વધુ એક દરદીનું મોત

27 March, 2020 11:13 AM IST  |  Surat | Agencies

અમદાવાદ, સુરત બાદ ભાવનગરમાં વધુ એક દરદીનું મોત

કોરોનાને કારણે કરાયેલા લોકડાઉનમાં સુરત આવેલા બહારગામના લોકો રઝળી પડ્યા હતા

કોરોના મહામારીના ભરડામાં ગુજરાતના ભાવનગરમાં ૭૦ વર્ષના વૃદ્ધનું મોત થતાં કુલ મૃત્યુઆંક ત્રણ થયો છે. અગાઉ અમદાવાદમાં એક ૮૫ વર્ષનાં મહિલાનું મોત થયું હતું અને એ અગાઉ સુરતમાં નાનપુરામાં પણ ૬૭ વર્ષના વૃદ્ધે દમ તોડ્યો હતો. ગુજરાતમાં કોરોનાથી ભાવનગરમાં ત્રીજું મોત થયું હોવાનું ખૂલ્યું છે. ભાવનગરના ૭૦ વર્ષના વૃદ્ધ દિલ્હી જઈને આવ્યા હતા અને તેમને કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમનું મૃત્યુ થઈ ગયું હતું.

રાજ્યમાં અમદાવાદ, સુરત અને ભાવનગરના નવા ત્રણ કેસ નોંધાયા છે જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં પાંચ નવા કેસ સામે આવતાં રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ૪૩ થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ માહિતી આપતાં જણાવ્યું હતું કે ભાવનગરમાં ૭૦ વર્ષના દરદીનું મોત થયું છે જે રાજ્યમાં કોરોના ચેપથી ત્રીજું મૃત્યુ હોવાનું જણાયું છે. અગાઉ અમદાવાદની ૮૫ વર્ષની વૃદ્ધા સાઉદીથી પરત ફર્યાં હતાં તેમનું ગઈ રાત્રે મૃત્યુ થયું હતું.

અમદાવાદમાં વધુ એક પૉઝિટિવ કેસ આવ્યો છે જેમાં ૫૯ વર્ષની મહિલાનો સમાવેશ થાય છે અને તેને સ્થાનિક સંપર્કમાં આવવાથી સંક્રમણ થયું છે. જ્યારે વડોદરામાં યુકેથી આવેલા ૫૫ વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. રાજકોટમાં ૪૨ વર્ષના પુરુષને લોકલ ટ્રાન્સમિશન થકી કોરોના થયો હોવાનું જણાયું છે અને તમામ પૉઝિટિવ દરદીઓને આઇસોલેશનમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ કોના-કોના સંપર્કમાં આવ્યા હતા એની વિગતો પણ ચકાસી તેવા લોકોને શોધી તેમની જરૂરી તપાસ કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં ૭૫ વર્ષનાં વૃદ્ધાનો કેસ પૉઝિટિવ આવ્યો છે જેમને સ્થાનિક સ્તરે સંક્રમણ થયું છે.

જયંતી રવિએ જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે જે મહિલાનું મૃત્યુ થયુ છે તે ૮૫ વર્ષની ઉંમર અને સાઉદી અરેબિયાની પ્રવાસ હિસ્ટરી ધરાવે છે. તેમને માનસિક બીમારી સાથે અન્ય લક્ષણો હતાં. ભાવનગર ખાતે ૭૦ વર્ષના એક પુરુષનું નિધન થયું છે જેઓ ડાયાબિટીઝ, કૅન્સર, બ્લડ-પ્રેશર, હાઇપરટેન્શન જેવી બીમારીથી અગાઉથી જ પીડાતા હતા તેમ તેમણે ઉમેર્યું હતુ.

વડોદરામાં લંડનથી પાછા આવેલા યુવકની કોરોના ટેસ્ટ પૉઝિટિવ

શહેરમાં વધુ એક કોરોના વાઇરસનો પૉઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે શહેરના દરદીઓની સંખ્યા કુલ આઠ થઈ ગઈ છે. ૫૫ વર્ષની વ્યક્તિ યુકેથી આવ્યા હતા. તેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાતાં હે દિવસથી ગોત્રી મેડિકલ હૉસ્પિટલમાં તેઓ દાખલ હતાં. તેમના રિપોર્ટમાં કોરોના પૉઝિટિવ આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ નડિયાદ અને હાલ અંકોડિયામાં રહેતા ૫૫ વર્ષના નિખિલ પટેલ યુકેથી પાછા ફર્યા હતા. તેમણે કોરોનાનાં લક્ષણો દેખાતાં ગોત્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનો રિપોર્ટ ગઈ કાલે મોડી સાંજે પૉઝિટિવ આવ્યો હતો. તેમનું ડાયાલિસિસ પણ શરૂ કરાયું હતું. આ ઉપરાંત ૩ શંકાસ્પદ દરદીઓને એસએસજીના આઇસોલેશન વૉર્ડમાં દાખલ કરાયા છે. આ સાથે એસએસજીમાં દાખલ પેન્ડિંગ રિપોર્ટનો આંક ૪ છે. જ્યારે નિઝામપુરાના બિલ્ડર સહિત તેમના કુટુંબના પાંચ કોરોના પૉઝિટિવ સભ્યો સહિત ૭ દરદીઓની પણ સારવાર ચાલી રહી છે.

gujarat surat coronavirus vadodara covid19