કોરોનાનો કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશ, પૉઝિટિવ કેસ 42

15 April, 2020 07:43 AM IST  |  Surat | Agencies

કોરોનાનો કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશ, પૉઝિટિવ કેસ 42

પ્રતીકાત્મક તસવીર

શહેરમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાના ૯ પૉઝિટિવ દરદી મળી આવતાં શહેર-જિલ્લામાં કોરોનાના દરદીની સંખ્યા ૪૨ પર પહોંચી છે. ગઈ કાલે જે કેસ પૉઝિટિવ આવ્યા તેમાંથી પાંચ તો એવા હતા કે જે રૅન્ડમલી કમ્યુનિટી સૅમ્પલના હતા. એથી શહેરમાં કોરોના વાઇરસ હવે કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ચૂક્યો છે.

લોખાત હૉસ્પિટલના મહિલા સહિત બે હેલ્થવર્કર અને લોખાત હૉસ્પિટલના સ્ટાફ ક્વૉર્ટરમાં રહેતા ૧નો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો, જ્યારે કમ્યુનિટી સૅમ્પલના રિપોર્ટમાં પાંચ લોકોનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં સુરતમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન ફેલાઈ રહ્યું હોવાનું સ્પષ્ટ થયું હતું. તમામ પૉઝિટિવ દરદીઓને સિવિલ હૉસ્પિટલના આઇસોલેશન વૉર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. સોમવાર સુધી સુરતમાં ૩૫૩ શંકાસ્પદ દરદીઓ (કમ્યુનિટી સૅમ્પલ સિવાયના) સામે આવી ચૂક્યા છે જે પૈકી ૩૧૬નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે ૪૦નો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે; જ્યારે ૪ના રિપોર્ટ આવવાના બાકી છે. સુરત શહેર અને જિલ્લો મળી અત્યાર સુધીમાં કુલ ૪૪ કોરોના પૉઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે.

સુરતમાં અલગ-અલગ વિસ્તારોમાં કોરોનાના પૉઝિટિવ કેસની હાજરી બાદ શહેરને ૩ ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. રેડ ઝોનમાં જ્યાં સૌથી વધુ કોરોનાના પૉઝિટિવ કેસ છે એમાં રાંદેર -ગોરાટ, બેગમપુરા, ઝાંપાબજાર અને લોખાત હૉસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોખાત હૉસ્પિટલમાં કામ કરતા ૩ કર્મચારીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતાં હૉસ્પિટલને ક્લસ્ટર ક્વૉરન્ટીન કરવામાં આવી છે. યલો ઝોનમાં જ્યાંથી કેસ બહાર આવ્યા છે, પણ રેડ ઝોન જેટલી સંખ્યા નથી એ વિસ્તારો છે. જ્યારે શહેરના અન્ય વિસ્તારો ગ્રીન ઝોનમાં મૂકવામાં આવ્યા છે. કમ્યુનિટી સૅમ્પલ પણ ઝોન વિભાજનના આધારે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

gujarat surat coronavirus