ચારથી વધુ લોકો એકઠા થયા તો અપલોડ કરો ફોટો, સીધા કરીશું

29 March, 2020 08:29 AM IST  |  Ahmedabad | shailesh nayak

ચારથી વધુ લોકો એકઠા થયા તો અપલોડ કરો ફોટો, સીધા કરીશું

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મહામારી વચ્ચે કાયદાનું પાલન કરાવવા ગઈ કાલે સુરત પોલીસે એક અનોખી પહેલ કરી છે. સોશ્યલ મીડિયા પર સુરત પોલીસે નાગરિકોને અપીલ કરી હતી કે ચારથી વધુ લોકો એકઠા થયા હોય તો તેમનો ફોટો પાડીને અમને મોકલો. આ અપીલને સુરતવાસીઓએ રિસ્પૉન્સ આપ્યો છે અને સુરત પોલીસે નાગરિકોએ મોકલેલા ફોટોના આધારે અમરોલી પોલીસ-સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરીને ગુનો નોંધ્યો છે.

સુરતના ડીસીપી (ટ્રાફિક) પ્રશાંત સુંબેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે બધા આ બાબતને સમજતા નથી અને બહાર નીકળતા હોય છે. આ સમયે બધાએ ઘરમાં રહેવું હિતાવહ છે. પોલીસ બધી જગ્યાએ પહોંચી વળી શકતી નથી એટલે સોશ્યલ મીડિયાથી સુરતના નાગરિકોને અપીલ કરી છે કે કોઈ સ્થળે ચારથી વધુ લોકો એકઠા થયા હોય તો ફોટો ખેંચીને સુરત સિટી પોલીસના ફેસબુક અને ટ્વિટર-હૅન્ડલ પર ફોટો, તારીખ, સ્થળ, સમય સાથે લખીને મોકલો. આ માહિતી આપશો તો એના પરથી કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવશે.’

તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘ગઈ કાલે આ અપીલ કર્યા બાદ નાગરિકોનો રિસ્પૉન્સ સારો મળ્યો છે. કેટલાય નાગરિકોએ ફોટો મોકલ્યા છે અને એના પરથી અમરોલી પોલીસ-સ્ટેશનમાં એક ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત ચારથી પાંચ કેસમાં નાગરિકોને સમજાવીને છોડી દીધા છે. અમારી બધાને અપીલ છે કે કોરોનાને કારણે બધા ઘરમાં રહે.’

surat ahmedabad coronavirus covid19