ચૈત્રી નવરાત્રી આવતી હોવાથી પાવાગઢનું મંદિર બંધ નહીં કરાય

18 March, 2020 02:19 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

ચૈત્રી નવરાત્રી આવતી હોવાથી પાવાગઢનું મંદિર બંધ નહીં કરાય

પાવાગઢ મહાકાળી મંદિર

કોરોના વાઈરસથી બચવા માટે જાહેર સ્થળોએ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલે શાળા અણે કોલેજો બાદ એક પછી એક મંદિર પણ બંધ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ પાવાગઢનું મહાકાળી મંદિર બંધ નહીં કરવાનો નિર્ણય ટ્રસ્ટીઓએ લીધો છે. તેનું મુખ્ય કારણ છે કે, ચૈત્રી નવરાત્રી આવી રહી છે. સાવચેતીના પગલા લઈને મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય ટ્રસ્ટીઓએ લીધો છે.

25 માર્ચથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. નવરાત્રી દરમ્યાન પાવગઢના મહાકાળી મંદિરમાં દરરોજ લાખો દર્શનાર્થીઓ આવે છે. પંરતુ આ વર્ષે કોરોનાને લીધે મંદિરો પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. એટલે પાવાગઢ મહાકાળી મંદિરના યાત્રાધામ પાવાગઢ મંદિર ટ્રસ્ટે તાજેતરમાં એક મિટિંગ યોજી હતી અને તેમાં નિર્ણય લીધો હતો કે, સાવચેતીની તકેદારીઓ રાખીને મંદિર ખુલ્લું રાખવામાં આવશે. દર્શનાર્થીઓ માટે નવા નિયમો પણ જાહેર કરવામાં આવશે.

મંદિરના એક ટ્રસ્ટીએ આપેલી માહિતિ મુજબ, ચૈત્રી નવરાત્રી દરમ્યાન હાલોલ એસી સ્ટેન્ડ પાસે આઈસોલેશન વોર્ડ ઊભો કરવામાં આવશે. દર્શનાર્થીઓને લાઈનમાં એક-એક મીટરનું અંતર રાખીને ઊભા રાખવામાં આવશે. તેમજ મંદિરના પરિસરમાં આરોગ્ય અધિકારીઓ પણ તહેનાત કરવામાં આવશે અને સ્ક્રિનિંગ-ચેકઅપ કર્યા બાદ જ વ્યક્તિને મંદિરમાં પ્રવેશ મળશે. જો ભીડ વધશે તો પાવાગઢમાં પણ વ્યવસ્થા કરાશે.

ચૈત્રી નવરાત્રી દરમ્યાન અહીં અમદાવાદ, સુરત, વડોદરા, રાજસ્થાન, પંચમહાલ જીલ્લો અને મધ્ય પ્રદેશમાંથી શ્રધ્ધાળુઓ આવતા હોય છે. 

gujarat vadodara coronavirus news