ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ બંધ કર્યું

12 July, 2020 12:54 PM IST  |  Surat | Agencies

ખાનગી ટ્રાવેલ્સે પણ અમદાવાદથી સુરતનું બુકિંગ બંધ કર્યું

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોના વાઇરસનો ખતરો વધ્યો છે. અમદાવાદ બાદ રાજકોટ અને સુરતમાં કોરોનાના દરદીઓ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે, ત્યારે હાલ સુરતથી અમદાવાદ આવતા લોકો માટે એક ખાસ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં કોરોનાના કેસ વધતા અમદાવાદમાં અલર્ટ આપી દેવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ અમદાવાદને ફરીથી ચેપગ્રસ્ત ન કરે તેના માટે તંત્ર દ્વારા અગમચેતીનાં પગલાં ભરવામાં આવી રહ્યાં છે. હાલ તંત્ર દ્વારા સુરતથી આવતા તમામ લોકોનું ચેકિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જ્યારે આજે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સુરતથી અમદાવાદ આવતી-જતી એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાના કેસ વધતા અમદાવાદમાં તેનો ચેપ ન પ્રસરાય તેના માટે સુરતથી આવતા તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ લોકોની કોરોનાની રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહી છે, જેથી ખબર પડી શકે તે સુરતમાંથી અમદાવાદમાં આવતા કોઈ વ્યક્તિમાં તેનાં લક્ષણો છે કે નહીં, જો તંત્રને તેવો શંકાસ્પદ કેસ દેખાશે તો તાત્કાલિક પગલાં ભરી શકે, તેના માટે શહેરમાં પ્રવેશ માર્ગ પર પોલીસ અને હેલ્થની ટીમો તહેનાત કરી દેવામાં આવી છે. સુરતથી અમદાવાદ આવતી જતી એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યા બાદ દક્ષિણ ગુજરાતમાંથી આવતી બસોને અન્ય કોઈ જિલ્લામાં જવું હોય તો પણ તેને અમદાવાદમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આવી બસોને બાયપાસ જવું પડશે. અમદાવાદમાં કોરોના સંક્રમણ વધુ ન વધે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં ૧ જુલાઈથી એસટી બસ શરૂ કરવામાં આવી હતી. હવે અમદાવાદમાં કોરોના સંક્રમણના આંકડા પહેલાં કરતાં ધીરે ધીરે અંકુશમાં આવી રહ્યા છે, જ્યારે સુરતમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. જેના કારણે જો સુરતના લોકો અમદાવાદમાં આવે તો કોરોનાના આંકડા ફરીથી વધી શકે છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી બાજુ સુરત તરફથી આવતી કાર, એસટી, અન્ય વાહનોમાં આવી રહેલા લોકોની હેલ્થની ચકાસણી ટોલનાકાની નજીક શરૂ કરાઈ છે. આ પૈકી જે પણ કોરોના પૉઝિટિવ હોવાનું જણાય તેમને જો અમદાવાદના હોય તો હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અથવા તો તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે. જો પ્રવાસી સુરત તરફના હોય તો તેમને પરત મોકલવામાં આવે છે.

surat ahmedabad gujarat coronavirus covid19