રાજકોટમાં ડિમોલિશન સમયે નાસ્તા-પાણી અને લંચ પાછળ ૨૭.૨૦ લાખ રૂપિયાના ખર્ચથી વિવાદ

28 June, 2026 10:44 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

એક તરફ ગેરકાયદે બાંધકામો તૂટતાં હતાં, બીજી તરફ કાજુકતરી અને ખજૂર રોલની પાર્ટી ચાલતી હતી

જંગલેશ્વર વિસ્તારમાં ફેબ્રુઆરીમાં ગેરકાયદે બાંધકામોનું ડિમોલિશન થયું હતું.

જંગલેશ્વરમાં થયેલા ડિમોલિશન સમયે કૉર્પોરેશને કરેલા બેફામ ખર્ચથી ઊઠ્યા સવાલો: સ્ટૅન્ડિંગ કમિટીમાં ખર્ચને મંજૂર કરવા દરખાસ્ત મુકાઈ:  ગેરરીતિ થઈ હોવાની આશંકાએ દરખાસ્ત પેન્ડિંગ     

રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા ફેબ્રુઆરીમાં ડિમોલિશનની કાર્યવાહી કરાઈ હતી જેમાં કૉર્પોરેશન અને પોલીસ વિભાગના કર્મચારીઓનાં નાસ્તા-પાણી માટે બેફામ રીતે લાખો રૂપિયાનો ખર્ચ થયો હોવાની વિગતો બહાર આવી છે જેને લઈને વિવાદ ઊઠ્યો છે. ડિમોલિશન સમયે નાસ્તા-પાણી અને લંચ પાછળ ૨૭.૨૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો જેનું બિલ મંજૂર કરવા માટે સ્ટૅન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકાઈ હતી. જોકે એમાં ગેરરીતિ થઈ હોવાની આશંકાએ આ દરખાસ્ત પેન્ડિંગ રખાઈ છે અને આ બાબતે ખુલાસો માગવામાં આવ્યો છે.    

રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ૨૦૨૬ની ૨૧થી ૨૭ ફેબ્રુઆરી દરમ્યાન જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૧૫૦૦ જેટલાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પડાયાં હતાં. આ કામગીરી દરમ્યાન કૉર્પોરેશન અને પોલીસના કર્મચારીઓ માટે ચા, કૉફી, બિસ્કિટ, કાજુકતરી, ખજૂર રોલ, ખમણ, સમોસા, ‍વેફર્સ, ગાંઠિયા, જલેબી, પૌંઆ, સ્પેશ્યલ લંચ, મસાલા છાશ તેમ જ પાણીની બૉટલો મગાવાઈ હતી. કર્મચારીઓએ આ નાસ્તો અને ભોજન કર્યું હતું. એના ખર્ચના ૨૭,૨૦,૯૪૬ રૂપિયાની રકમનું બિલ કૉર્પોરેશનમાં મંજૂર કરવા માટે મૂકવામાં આવ્યું હતું જે હાલ અટકાવી દેવામાં આવ્યું છે.   

સંવેદનશીલ વાતાવરણ વચ્ચે જે-તે અધિકારીઓને આવી મીઠાઈ ખાવાની શું જરૂર પડી?  
૨૪ જૂને મળેલી રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીની બેઠક બાદ સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન પરેશ પિપળિયાએ મીડિયાને કહ્યું હતું કે ‘જંગલેશ્વરમાં ડિમોલિશન થયું એમાં નાસ્તા અને જમવાનો ખર્ચ થયો હતો એનું બિલ મૂકવામાં આવ્યું હતું એમાં અંદાજિત ખર્ચ ૨૭ લાખનો હતો. આ દરખાસ્ત હાલપૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે. પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમણે જે કાજુકતરી અને અંજીર-ખજૂર રોલનો ઉલ્લેખ કર્યો છે. તો આવા સંવેદનશીલ વાતાવરણ વચ્ચે જે-તે અધિકારીઓને આવી મીઠાઈ ખાવાની શું જરૂર પડી એના ખુલાસા માગવા માટે આ દરખાસ્ત હાલપૂરતી મુલતવી પેન્ડિંગ રાખવામાં આવી છે.’    

સામાજિક સંસ્થાઓએ મદદ કરી હતી તો મસમોટા ખર્ચ કેવી રીતે થયા?
રાજકોટમાં નાસ્તા-પાણીના ખર્ચનો વિવાદ વકર્યો છે. રાજકોટવાસીઓમાં એવા પણ સવાલ ઊભા થયા છે કે જંગલેશ્વરમાં ડિમોલિશન સમયે રાજકોટની સામાજિક સંસ્થાઓએ પણ પાણી અને ફૂડ-પૅકેટો આપ્યાં હતાં તો પછી મસમોટું બિલ કેવી રીતે બન્યું? હજારો કપ ચા કોણ પી ગયું? લાખો રૂપિયાના નાસ્તાની જયાફત ખરેખર કોણે ઉડાવી?  એવું પણ કહેવાય છે કે એ સમયે યોજેલી પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારોને નાસ્તો કરાવ્યો હતો જેમાં ૧૫૦ ડિશનું ૩૪,૦૦૦થી વધુ રૂપિયાનું બિલ મુકાયું હતું, પરંતુ એ સમયે ૧૫૦ જેટલા પત્રકારો ઉપસ્થિત નહોતા.  

વિડિયોગ્રાફીના બિલનો પણ વિવાદ   
ડિમોલિશન સમયના નાસ્તા-પાણીના પ્રશ્ને વિવાદ સર્જાયો છે ત્યાં હવે કહેવાય છે કે વિડિયોગ્રાફીના લાખોના બિલથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ચર્ચાઈ રહ્યું છે કે જંગલેશ્વરમાં ડિમોલિશન સમયે ડ્રોનથી વિડિયો શૂટિંગ કરવામાં આવ્યું હતું જેનું બિલ બાવીસ લાખ રૂપિયા આવ્યું છે. રાજકોટ પોલીસ પાસે ડ્રોન છે તો પછી રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશને લાખોનો ખર્ચ કેમ કર્યો હશે એવો સવાલ ઊઠ્યો છે.

gujarat news gujarat rajkot gujarat government