સ્વામીનારાયણ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી, પૈસા ભેગા કરવાની સંસ્થા છે

12 September, 2023 07:55 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતના કાલોલના વિધાનસભ્યનો વિવાદાસ્પદ વિડિયો થયો વાઇરલ, જેમાં તેઓ કરી રહ્યા છે આક્ષેપ : પહેલી વાર બીજેપીના કોઈ વિધાનભ્યએ ખૂલીને સ્વામીનારાયણ સંપ્રદાય સામે જાહેર સભામાં પોતાનો મત વ્યક્ત કર્યો

બીજેપીના વિધાનસભ્ય ફતેસિંહ ચૌહાણની જીભ લપસી

અમદાવાદઃ સાળંગપુરની ઘટના બાદ જે વિવાદ ચાલી રહ્યો છે એને લઈને ગુજરાતમાં કાલોલના બીજેપીના વિધાનસભ્ય ફતેસિંહ ચૌહાણનો એક વિવાદાસ્પદ વિડિયો વાઇરલ થયો છે, જેમાં તેમણે આક્ષેપ કર્યા છે. પહેલી વાર બીજેપીના કોઈ વિધાનભ્યએ ખૂલીને સ્વામીનારાયણ સંપ્રદાય સામે જાહેર સભામાં પોતાનો મત વ્યક્ત કર્યો હોવાની ઘટના બની છે.
પંચમહાલ જિલ્લાના એક ગામની જાહેર સભામાં વિધાનસભ્ય ફતેસિંહ ચૌહાણ સંબોધન કરી રહ્યા હોવાનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ એવું વિવાદાસ્પદ અને આક્ષેપાત્મક બોલતા જણાઈ રહ્યા છે કે ‘આ સંપ્રદાય એ કોઈ જ્ઞાનનો અખાડો નથી, સ્વામીનારાયણ સંસ્થા છે, પૈસા ભેગા કરવાની સંસ્થા છે, રોજ સમાચારમાં આવે છે, મંદિરોમાં ઝઘડા ચાલ્યા છે. સનાતન ધર્મની કોઈ નિંદા કરનારો હોય તેને ગોમમાં પહેંવા ના દેજો. આપણા ઘણા ગરીબ અભણ લોકોને ભરમાવીને આ લોકો સ્વામીનારાયણમાં જોડે છે. આવા સંપ્રદાયને જાકારો આપો, ધાર્મિક લાગણી દુભાઈ છે.’
આ મુદ્દે ફતેસિંહ ચૌહાણનો ‘મિડ-ડે’એ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમનો ફોન ​​સ્વિચ-ઑફ આવતો હતો. બીજી તરફ ‘મિડ-ડે’એ તેમના દીકરા સાથે વાત કરી હતી, પરંતુ તેમને આ મુદ્દે કંઈ ખબર નહીં હોવાનું કહ્યું હતું. 

gujarat news ahmedabad shailesh nayak