કૉન્ગ્રેસે ગરીબી હટાવવાને બદલે ગરીબોને હટાવ્યાઃ અમિત શાહ

26 October, 2019 11:10 AM IST  |  ગાંધીનગર

કૉન્ગ્રેસે ગરીબી હટાવવાને બદલે ગરીબોને હટાવ્યાઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે ​ગાંધીનગરમાં એપીએમસી-કલોલ ગેસ્ટહાઉસનું લોકાર્પણ કર્યું હતું અને નવા બિલ્ડિંગની આધારશિલા મૂકી હતી. ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ પણ આ પ્રસંગે હાજર હતા. (તસવીર : પી.ટી.આઇ.)

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અમિત શાહે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમ્યાન અમિત શાહે કૉન્ગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા તો સાથે જ સીએમ રૂપાણી અને નીતિન પટેલની પ્રશંસા પણ કરી હતી. અમિત શાહે કલોલ ખાતે વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું.

અમિત શાહે કલોલમાં ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. કલોલ-મહેસાણા બ્રિજને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકો માટે ખુલ્લો મૂક્યો છે. અમિત શાહે બ્રિજ ખુલ્લો મૂકી ગાંધીનગરના લોકોને દિવાળીની ભેટ આપી છે. અમિત શાહે કલોલ એપીએમસી ખાતે ઑફિસ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું.

ગાંધીનગરસ્થિત મહાત્મા મંદિર ખાતે અમિત શાહે સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં હું સંસદસભ્ય તરીકે આવ્યો છું. ગાંધીનગર પહેલું કેરોસીનમુક્ત શહેર બન્યું છે. તો બીજી તરફ કૉન્ગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કૉન્ગ્રેસે ગરીબી હટાવવાના બદલે ગરીબો હટાવ્યા છે.

અમિત શાહે ધનતેરસ અને દિવાળીની શુભેચ્છા આપીને પોતાનું સંબોધન શરૂ કર્યું હતું. શાહ બે દિવસ માટે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, ત્યારે ૨ દિવસમાં રૂપિયા ૧૩૭૮ કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. કાળીચૌદશના દિવસે ૩૨ હજાર લોકોને વિકાસકાર્યોનો લાભ આપશે.

ત્રણ બેઠકો પર બીજેપીની હારઃ શાહે રિપોર્ટ માગ્યો

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે બીજેપીના પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહાપ્રધાન ભીખુભાઈ દલસાનિયા અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપ સિંહ સાથે બેઠક કરી હતી. પેટા ચૂંટણીમાં રાધનપુર, થરાદ અને બાયડની ચૂંટણીમાં બીજેપીની હારને લઈ ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહે પ્રદેશ બીજેપીના નેતાઓના કલાસ લીધા હતા, ત્યારે ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં કયા કારણોસર હાર થઈ તેના રિપોર્ટ માગ્યા હતા.

gujarat gandhinagar amit shah congress