10 April, 2025 02:17 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
કૉન્ગ્રેસના અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અમદાવાદમાં ગઈ કાલે યોજાયેલા કૉન્ગ્રેસના અધિવેશનમાં રાષ્ટ્રગીત જન ગણ મન ઉપરાંત વંદે માતરમ્ અને ઝંડા ઊંચા રહે હમારા જેવાં રાષ્ટ્રભક્તિનાં ગીતો સાથે દેશભક્તિના માહોલમાં કૉન્ગ્રેસના અધિવેશનનો પ્રારંભ થયો હતો. અમદાવાદમાં સાબરમતીના તટેથી ગાંધીબાપુના આદર્શો અને સિદ્ધાંતોને વાગોળીને અધિવેશનમાં ગુજરાતનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
કૉન્ગ્રેસના અધિવેશનની શરૂઆતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ધ્વજ લહેરાવ્યો હતો. તેમની સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓએ ધ્વજવંદન કર્યું હતું અને ત્યાર બાદ સૌ સભામંડપમાં ગયા હતા જ્યાં અધિવેશનનો પ્રારંભ થયો હતો. ભારતના દરેક રાજ્યમાંથી આવેલા કૉન્ગ્રેસના આગેવાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ અધિવેશનમાં ગુજરાતનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં જણાવ્યું હતું કે દળના હિતથી ઉપર દેશ અને રાજ્યના હિતને રાખતાં કૉન્ગ્રેસનો દરેક કાર્યકર ન્યાયપથ પર ચાલશે અને એના માટે સાબરમતી તટ પર સંકલ્પ લઈને પોતાને સમર્પિત કરીને સેવાની સાધના માટે સંઘર્ષ કરશે.