30 July, 2025 08:15 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ગુજરાતના અધિકારીઓને સંબોધતા ભૂપેન્દ્ર પટેલ.
ચોમાસાની આ સીઝનમાં ગુજરાતના રોડ-રસ્તાની ખરાબ હાલતને લઈને ગઈ કાલે ગાંધીનગરમાં યોજાયેલા સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને શીખ આપતાં ટકોર કરીને સાફ શબ્દોમાં કહ્યું હતું કે ‘રોડ સારા રાખવાની જવાબદારી આપણી છે, છે ને છે.’
નીતિ આયોગ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાન યોજાયેલા દેશવ્યાપી સંપૂર્ણતા અભિયાનમાં ગુજરાતના જે જિલ્લા અને તાલુકાઓએ સંપૂર્ણતા હાંસલ કરવાની સિદ્ધિ મેળવી છે એવા જિલ્લા અને તાલુકાઓના અધિકારીઓને ભૂપેન્દ્ર પટેલે અવૉર્ડ્સ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના બિસમાર માર્ગોને લઈને ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ‘પહેલાં તૂટી ગયેલા રોડ નહોતા બનાવતા, કારણ કે રોડ જ જૂજ હતા. એટલે એ રોડ મેઇન, હાઇવે કે એવા બે-ચાર રોડ હોય એમાં તૂટવાનો બહુ ઓછો અવસર હતો, પણ અત્યારે તમે જુઓ છેક વાડી સુધી રોડ થઈ ગયા છે. રોડ બની ગયા પછી એના પર આપણે જવા-આવવાનું શરૂ કરી દીધા પછી એ રોડ તૂટેલો હોય તો નહીં ચાલે. આપણે રોડનું પ્રમાણ વધારી દીધું છે તો એ રોડને સારા રાખવાની જવાબદારી આપણી છે, છે ને છે. અહીં તમે બધા જવાબદાર લોકો બેઠા છો. તમે એક કામ ઓછું કરશો તો ચાલશે, પણ જે કામ કરો એ ક્વૉલિટીવાળું કરવું પડશે એવું મગજમાં રાખીને ચાલો.’