અંજારમાં મેઘો મુશળધાર : બે કલાકમાં ચાર ઇંચ વરસાદ

20 June, 2021 10:19 AM IST  |  Mumbai | Shailesh Nayak

કચ્છના ગાંધીધામમાં ૩ ઇંચ : ગુજરાતના ૧૮૭ તાલુકાઓમાં ગઈ કાલે સારો વરસાદ વરસ્યો

કચ્છના અંજારમાં ગઈ કાલે ભારે વરસાદ પછી પાણી ભરાઈ ગયાં હતાં.

ગુજરાત પર છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન થયા હોય એમ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ગઈ કાલે કચ્છના અંજારમાં મેઘો મુશળધાર વરસ્યો હતો. બે કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં શહેરમાં જનજીવન પ્રભાવિત થયું હતું. એટલું જ નહીં, જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં બે કલાકમાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો.
ગઈ કાલે મેઘરાજા કચ્છ ઉપર મહેરબાન થયા હોય એમ કચ્છ જિલ્લામાં સાર્વ​ત્રિક વરસાદ થયો હતો. અંજારમાં ૧૨૨ મિ.મી. એટલે કે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. એમાં પણ બપોરે ૨થી ૪ વાગ્યા દરમ્યાન બે કલાકમાં ૯૮ મિ.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. કચ્છમાં ગાંધીધામમાં ૭૭ મિ.મી. એટલે કે ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત મુંદ્રામાં ૪૬ મિ.મી. એટલે કે બે ઇંચ જેટલો, ભચાઉમાં એક ઇંચ જેટલો જ્યારે રાપરમાં ૧૨ મિ.મી. અને ભુજમાં ૧૦ મિ.મી. વરસાદ પડ્યો હતો. કચ્છ જિલ્લામાં વરસાદ પડતાં નદી, નાળાંમાં પાણી આવ્યાં હતાં.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૮૭ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં ૩૬ તાલુકાઓમાં ૧ ઇંચથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માંગરોળમાં ૧૦૪ મિ.મી. એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો જેમાં સાંજે ૪થી ૬ વાગ્યાના બે કલાકમાં ૭૫ મિ.મી. એટલે કે ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ૭૧ મિ.મી., જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ૭૦ મિ.મી., ધોરાજી તાલુકામાં ૬૪ મિ.મી., સુરતના ઉમરપાડા તાલુકામાં ૬૦ મિ.મી., ગઢડા તાલુકામાં ૫૬ મિ.મી., રાજકોટ તાલુકામાં ૫૩ મિ.મી., માળિયા તાલુકામાં ૫૨ મિ.મી. ધંધુકા તાલુકામાં ૫૧ મિ.મી. વરસાદ પડ્યો હતો.
ભારે વરસાદના કારણે બાબરાના નડાળા ગામે નદીમાં પાણી આવતાં પીકઅપ વૅન તણાઈને પલટી ખાઈ ગઈ હતી. જોકે વૅનમાં બેઠેલી ત્રણ વ્યક્તિઓને બચાવી લેવામાં આવી હતી. ભારે વરસાદની આગાહીના પગલે વલસાડ અને નવસારી જિલ્લામાં એનડીઆરએફની એક-એક ટીમ તહેનાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાના વડાલી પંથકમાં શુક્રવારે ૬ ઇંચ વરસાદ પડતાં ચુલ્લા ગામ બેટમાં ફેરવાયું હતું અને ગામ સંપર્કવિહોણું બન્યું હતું.

Gujarat Rains anjar gujarat shailesh nayak