હૉસ્પિટલ હૉરરનો હીરો ચિરાગ પટેલ

07 August, 2020 08:22 AM IST  |  Mumbai Desk | Shailesh Nayak

હૉસ્પિટલ હૉરરનો હીરો ચિરાગ પટેલ

શ્રેય હૉસ્પિટલનો કર્મચારી ચિરાગ પટેલ.

કોરોનાની મહામારી વચ્ચે ગઈ કાલે અમદાવાદમાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં આઇસીયુ વૉર્ડમાં આગની ગોઝારી દુર્ઘટના બની હતી, જેમાં ૮ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં. જોકે આગની ઘટના વચ્ચે પણ હૉસ્પિટલના કર્મચારી ચિરાગ પટેલે પોતાના જીવની પરવા કર્યા વિના દરદીઓને બચાવવાના પ્રયાસ કર્યા હતા અને બે દાદીઓને નીચે લઈ આવવામાં સફળ થયો હતો. શ્રેય હૉસ્પિટલમાં કામ કરતા ચિરાગ પટેલની રાતની ડ્યુટી હતી. ઘટના બની ત્યારે તે હૉસ્પિટલમાં હાજર હતો. ચિરાગ પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે ‘રાતે અઢી વાગ્યા સુધી બધું ઓકે હતું. ૩.૦૨ વાગ્યે શું બન્યું એની ખબર નહીં, પણ અંદરનો સ્ટાફ બહાર દોડી આવ્યો અને મને બોલાવીને પાણી લઈને અંદર આવવાનું કહ્યું. હું અંદર ગયો તો ૯ નંબરના પેશન્ટ પાસે આગ લાગી હતી. પેશન્ટના માથાના વાળ બળવા માંડ્યા હતા એને ઓલવવાની મેં ટ્રાય કરી અને વાળ ઓલવાઈ ગયા. એટલામાં સ્ટાફ બ્રધરની પીપીઈ કિટમાં આગ પકડાઈ ગઈ. પીપીઈ કિટ પરની આગ ઓલવાય ત્યાં સુધીમાં બ્લાસ્ટ થઈ ગયો. એ વખતે જેટલી તાકાત હોય એટલી તાકાતથી ફટાફટ દરદીને બચાવવાની ટ્રાય કરો એવી વાત થઈ એટલે સ્ટાફ-મેમ્બર્સે બીજા પેશન્ટને ઇન્ફૉર્મ કર્યા. દરમ્યાન અંદર જોરદાર આગ પકડાઈ ગઈ હતી. એટલો જોરદાર ધુમાડો બહાર આવતો હતો કે કોઈ ત્યાં ઊભું ન રહી શકે. બધાને સેકન્ડ ફ્લોર પર ચાલ્યા જવાનું કહ્યું. ચોથે માળે ૧૧ પેશન્ટ હતા અને એમાંથી ૩ પેશન્ટ જાતે નીચે જઈ શકે એમ નહોતા એટલે એમાંથી એક માજીને હું ઊંચકીને નીચે લઈ ગયો અને સેકન્ડ ફ્લોર પર મૂકી આવ્યો. પાછો ઉપર આવ્યો ત્યારે એક વૃદ્ધા પગથિયા પર ચાલી નહોતાં શકતાં તેમને પણ હું નીચે લઈ આવ્યો હતો, પણ પાછો ઉપર ગયો ત્યારે ત્યાં કોઈ નહોતું.’

shailesh nayak gujarat ahmedabad