CM રૂપાણીએ મોડી રાત્રે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી, 57 તાલુકાઓને થઇ અસર

13 June, 2019 12:42 AM IST  |  અમદાવાદ

CM રૂપાણીએ મોડી રાત્રે કંટ્રોલ રૂમની મુલાકાત લીધી, 57 તાલુકાઓને થઇ અસર

વિજય રૂપાણી

વાયુ વાવાઝોડુ ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે અથડાશે. ત્યારે તંત્ર તમામ ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે. એવામાં મોડી રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને સમીક્ષા કરી હતી. કન્ટ્રોલરૂમમાં નિરીક્ષણ કર્યા બાદ રૂપાણીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક પૂર્ણ થયા બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું હતુ કે, વાવાઝોડાને લઇને તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે. 57થી વધુ તાલુકાઓમાં વાવાઝોડાની અસર છે. સૂત્રાપાડા અને દીવમાં દરિયાના પાણી ધૂસ્યા છે. વાવાઝોડાની દિશા બદલાઈ નથી, તેની તીવ્રતામાં ઘટાડો થયો નથી.

 

તીવ્રતા ઘટી નથી, વાવાઝોડું આવી રહ્યું છે તે નિશ્ચિત છેઃ રૂપાણી

મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની દિશા બદલાઈ નથી. પહેલા વેરાવળ અને મહુવા વચ્ચે આવવાનું હતું, જે હવે વેરાવળ અને દ્વારકા વચ્ચે આવશે. વાવાઝોડાની તીવ્રતામાં પણ કોઇ ઘટાડો થયો નથી. વાવઝોડું આવી રહ્યું છે તે નિશ્ચિત છે. વાવાઝોડાથી નુકસાન ન થાય તેવી તૈયારી કરવામાં આવી છે. એનડીઆરએફની તમામ ટીમો તૈનાત છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : વાયુ સાઈક્લોનઃ અહીં LIVE જુઓ, પોરબંદર તરફ ફંટાયું

PMO અને કેન્દ્રનું ગૃહમંત્રાલય પણ સંપર્કમાં, લોકો પણ સહકાર આપી રહ્યાં છેઃ રૂપાણી

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, પીએમઓ અને કેન્દ્રનું ગૃહ મંત્રાલય પણ સંપર્કમાં છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં હોર્ડિંગ્સ ઉતારી લેવાનું સરકારે આગોતરું આયોજન કર્યું છે. લોકેને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે. લોકો પણ તંત્રની કામગીરીમાં સહકાર આપી રહ્યાં છે.