05 April, 2026 09:30 AM IST | Banaskantha | Gujarati Mid-day Correspondent
ઉમેદવારો માટેનો બાંયધરી-પત્ર.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા બાદ રાજકીય પક્ષોમાં ટિકિટવાંછુ ઉમેદવારો તેમના પક્ષમાં ટિકિટ માટે દાવેદારી નોંધાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા કૉન્ગ્રેસમાંથી ચૂંટણી લડવા માગતા ઉમેદવારોએ બાંયધરી-પત્ર ભરવો પડશે અને લેખિત આપવું પડશે કે હું કોઈ પક્ષપલટો કરીશ નહીં. સંભવિત રીતે ગુજરાતના રાજકારણમાં આવું કદાચ પહેલી વાર બન્યું હશે કે કોઈ રાજકીય પક્ષે ઉમેદવારો જીતીને પક્ષપલટો ન કરે એ માટે આવો નિર્ણય લીધો હોય.
ભૂતકાળમાં ચૂંટણીમાં જીત મેળવીને કૉન્ગ્રેસના ઘણા જીતેલા ઉમેદવારે પક્ષપલટો કર્યો છે ત્યારે આ વખતની ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા કૉન્ગ્રેસે પાણી પહેલાં પાળ બાંધવાનો પ્રયાસ કર્યો છે.
પાલનપુર તાલુકાના કૉન્ગ્રેસના પ્રમુખ સેનજી દેલવાડિયાએ મીડિયાને કહ્યું હતું કે ‘જિલ્લા અને તાલુકાપંચાયતની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે આ વખતે કૉન્ગ્રેસે એવી વાત નક્કી કરી છે કે બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકામાં ઉમેદવાર પાસેથી બાંયધરી-લેખ લખાવવામાં આવશે કે ભવિષ્યમાં કૉન્ગ્રેસનાં હિતો અને આદેશોનું તે ચુસ્તપણે પાલન કરશે. ન કરે તો એક બાંયધરી-લેખ સ્ટૅમ્પ પર નૉટરાઇઝ કરીને આપવાનો રહેશે એવું નક્કી કર્યું છે. એનું કારણ એ છે કે ભવિષ્યમાં કોઈ પક્ષપલટો ન કરે. જો પક્ષપલટો કરશે તો પક્ષાંતર ધારા નીચે ગાંધીનગર કોર્ટમાં સભ્યપદ રદ કરાવીશું.’