ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભગવો લહેરાયો

03 March, 2021 10:27 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભગવો લહેરાયો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ગઈ કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી જેમાં ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગરપાલિકાઓની ચૂંટણીમાં બીજેપીએ બહુમતી મેળવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જાણે કે બીજેપી-રૂપી સુનામીએ કૉન્ગ્રેસને ધ્વસ્ત કરી નાખી હતી. મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, બેકારી સહિતની સમસ્યાઓને કોરાણે મૂકીને ગ્રામીણ તેમ જ નાનાં શહેરોના મતદારોએ બીજેપી પર વિશ્વાસ મૂકીને ખોબલે-ખોબલે મત આપ્યા હતા જેના પગલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બીજેપીએ ભવ્ય જીત હાંસલ કરી છે.

ગઈ કાલે સાંજે સવાસાત વાગ્યા સુધીમાં ૩૧ જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં બીજેપીએ ૭૭૫ બેઠકો જ્યારે કૉન્ગ્રેસે ૧૬૯ બેઠકો જીતી છે. ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં બીજેપીએ ૩૨૪૦ બેઠકો જ્યારે કૉન્ગ્રેસે ૧૨૪૭ બેઠકો, આમ આદમી પાર્ટીએ ૩૧ બેઠકો જીતીને ગ્રામીણ વિસ્તારમાં પગપેસારો કર્યો છે. બસપાને ૬ બેઠકો મળી છે. ૮૧ નગરપાલિકાઓની ચૂંટણીમાં બીજેપીએ ૧૯૯૩ બેઠક, કૉન્ગ્રેસે ૩૮૬ બેઠક, આપને ૯ સમાજવાદી પાર્ટીને ૧૪ AIMIMને ૧૭ અને બસપાને ૬ બેઠકો મળી છે.

ગુજરાતમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કૉન્ગ્રેસને પરાજય મળ્યો છે. જાણે કે કૉન્ગ્રેસના હાથમાં જીતની લકીર ન હોય તેમ ગુજરાતમાં યોજાયેલી ઉપરાઉપરી ચૂંટણીમાં કૉન્ગ્રેસ હારી ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૉન્ગ્રેસને જીતની આશા હતી, પરંતુ જિલ્લા અને તાલુકા પંચાયતો તેમ જ નગરપાલિકાઓની ચૂંટણીનાં જે પરિણામો સામે આવ્યાં છે તેનાથી કૉન્ગ્રેસની ઊંઘ ઊડી ગઈ છે. ગુજરાત કૉન્ગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ હારનો સ્વીકાર કરીને તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે અને હાઈ કમાન્ડે તેનો સ્વીકાર કર્યો છે. જોકે જ્યાં સુધી અન્ય કોઈ વ્યક્તિની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહેશે.

gujarat bharatiya janata party congress Gujarat BJP Gujarat Congress