વાપીમાં બીજેપીના નેતાની જાહેરમાં ગોળી મારીને હત્યા

09 May, 2023 12:10 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

શિવ મંદિર પાસે કારમાં બેઠેલા શૈલેશ પટેલને ગોળી મારી હત્યારા નાસી છૂટ્યા, પોલીસે ત્રણ શકમંદની અટકાયત કરી, જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનો દાવો, જ્યાં સુધી હત્યારાઓને પકડવામાં ન આવે ત્યાં સુધી સ્વજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

શૈલેશ પટેલ બેઠા હતા એ કાર અને કાર પર તેમ જ નીચે પડેલું લોહી.

દક્ષિણ ગુજરાતના વાપી તાલુકાના બીજેપીના ઉપપ્રમુખ શૈલેશ પટેલ ગઈ કાલે સવારે તેમનાં પત્ની સાથે શિવ મંદિરમાં દર્શન કરવા ગયા હતા એ દરમ્યાન અજાણ્યા શખ્સોએ તેમના પર ફાયરિંગ કરતાં તેમનું મૃત્યુ થયું હતું. ગુજરાતમાં બીજેપીના નેતાની જાહેરમાં હત્યા થતાં ચકચાર મચી ગઈ હતી. નેતાની હત્યા થતાં બીજેપીના આગેવાનો અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે હત્યારાઓને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કરી સાંજ પડતાં ત્રણેક શકમંદોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

વાપી નજીક આવેલા કોચરવા ગામે રહેતા શૈલેશ પટેલ તેમના ગામ નજીક આવેલા શિવ મંદિરમાં દર સોમવારે ફૅમિલી સાથે દર્શન કરવા જતા હતા. તેઓ ગઈ કાલે પણ રાબેતા મુજબ શિવ મંદિરે દર્શન કરવા ગયા હતા એ દરમ્યાન પત્ની મંદિરમાં હતી અને તેઓ કારમાં બેઠા હતા એ વખતે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા અને શૈલેશ પટેલ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને નાસી ગયા હતા. ફાયરિંગ થતાં મંદિર પરિસરમાં હોબાળો મચી ગયો હતો અને લોકો કાર પાસે દોડી આવ્યા હતા. ફાયરિંગમાં મૃત્યુ પામેલા શૈલેશ પટેલને વાપીની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.

બીજેપીના નેતા શૈલેશ પટેલની હત્યા જૂની અદાવતથી થઈ હોવાનો દાવો મીડિયા સમક્ષ તેમના સ્વજનોએ કર્યો હતો અને જ્યાં સુધી હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી સ્વજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ શંકાની સોય ગામના જ શખ્સ તરફ મરનારના સ્વજનોએ તકાતાં પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે અને શરદ નામના શખ્સ સહિત ત્રણ જણને રાઉન્ડ-અપ કરી પૂછપરછ હાથ ધરી હતી. બીજી તરફ આ ઘટનાને લઈને વાપી નજીક આવેલા કોચરવા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે ગામમાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતના વાપી તાલુકાના બીજેપીના ઉપપ્રમુખ શૈલેશ પટેલ.

ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલે શૈલેશ પટેલ પરના હુમલા બાદ શોકની લાગણી વ્યક્ત કરીને રાજ્ય સરકારને આ ઘટનામાં દોષીઓને ઝડપી લઈને કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.

Gujarat Crime gujarat news ahmedabad Gujarat BJP shailesh nayak