અમદાવાદના ઝાયડસ કોર્પોરેટ પાર્કમાં ભૂપેન્દ્ર પટેલે ‘ટુ ગેધર વી ફલાય’ જાહેર કલાકૃતિનું લોકાર્પણ કર્યું

06 December, 2021 09:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પ્રસંગે મુખ્યપ્રધાને કોરોનાના કપરાકાળમાં પોતાની ફરજ બજાવનારા તબીબો અને આરોગ્યકર્મીઓને અભિનંદન આપ્યા હતા.

તસવીર સૌજન્ય પીઆર

અમદાવાદના એસ.જી. હાઈવે સ્થિત ઝાયડસ કોર્પોરેટ પાર્ક ખાતે “ટુ ગેધર વી ‌ફ્લાય” જાહેર કલાકૃતિનું લોકાર્પણ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે “સમગ્ર દેશમાં રસીકરણ ઝુંબેશમાં ગુજરાત અગ્રેસર છે‌ અને અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં સાડા સાત કરોડથી વધારે ડોઝ અપાઈ ચૂક્યા છે.”

મુખ્યપ્રધાને આ અવસરે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે “જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામેની લડાઈમાં થાક્યું હતું, ત્યારે ભારતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મક્કમતાથી મુકાબલો કર્યો હતો. આજે જે ભૂમિ પરથી હું વાત કરી રહ્યો છું. તે જ ભૂમિ પર કોરોના વિરોધી સ્વદેશી વેક્સિન વિકસાવવામાં આવી છે, જેનો આપણને સૌને ગર્વ છે. ‘ટુ ગેધર વી ફલાય’નો સંદેશો દર્શાવે છે કે, આપણે નાના પ્રયાસોથી મોટા પરિવર્તનો લાવી શકીએ છીએ.”

આ પ્રસંગે મુખ્યપ્રધાને કોરોનાના કપરાકાળમાં પોતાની ફરજ બજાવનારા તબીબો અને આરોગ્યકર્મીઓને અભિનંદન આપ્યા હતા. તબીબો અને આરોગ્ય કર્મીઓની પીઠ થાબડતા કહ્યું કે, “તબીબો અને આરોગ્ય કર્મીઓની સમર્પિત ભાવનાના કારણે જ કોરોનાને કાબુમાં રાખવામાં આપણને સફળતા પ્રાપ્ત થઈ છે. ‘હારશે કોરોના, જીતશે ગુજરાત’નો સંકલ્પ આપણે સૌ સાથે મળીને સાકાર કરીશું.”

ઝાયડસના પંકજ પટેલે જણાવ્યું હતું કે “અમારી કંપની દ્વારા હંમેશા સામાજિક દાયિત્વ અને પ્રાથમિકતા આપવામાં આવી છે અને કોવિડ કાળમાં પણ અમે સામાજિક દાયિત્વ નિભાવ્યું છે.” તેમણે કહ્યું કે કોવિડ “કાળમાં જરૂરી દવાઓ ગુજરાત અને ભારતમાં ઉત્પાદિત થઈ છે જે ભારતીય પ્રતિભા દર્શાવે છે.”

તસવીર વિશે વાત કરીએ તો પંદર હજાર જેટલી અનન્ય અભિવ્યક્તિ સાથેની આ ટુ ગેધર વી ફ્લાય કલાકૃતિ 262 ફૂટ પહોળી છે અને તેની ઊંચાઈ 85 ફૂટની છે, જે ઝાયડસ ગ્રુપના આઇકોનિક કોર્પોરેટ પાર્કની બાહ્ય દિવાલ પર મૂકવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ઝાયડસ પ્રમોટર્સ કુટુંબના કલામર્મજ્ઞ ડિઝાઈનર અને ઉદ્યોગ સાહસિક મેહા પટેલ અને કોરોના કવીલ્ટ પ્રોજેક્ટના ફાઉન્ડર દિયા મહેતા ભોપાલ અને નેહા મોદી દ્વારા આ વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

gujarat news ahmedabad