સાવધાન ગુજરાતઃ 'વાયુ' આવે છે, 24 કલાકમાં તોફાન ત્રાટકવાની આશંકા

11 June, 2019 09:45 AM IST  |  અમદાવાદ

સાવધાન ગુજરાતઃ 'વાયુ' આવે છે, 24 કલાકમાં તોફાન ત્રાટકવાની આશંકા

સાવધાન વાયુ આવે છે

ભારતીય મોસમ વિભાગની જાણકારી અનુસાર વાયુ વાવાઝોડું પોરબંદર અને મહુવાની વચ્ચેથી ગુજરાતના કિનારેથી પસાર થશે. જેની અસર વેરાવળ અને દીવ વિસ્તાર પર પણ પડશે. આ દરમિયાન પવનની ઝડપ 110 થી 120 કિમી પ્રતિ કલાક રહેશે. શુક્રવારે વહેલી સવારે વાવાઝોડું પહોંચી શકે છે.

ચક્રવાતી તોફાન વાયુ સતત ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. લક્ષદ્વીપના દક્ષિણપૂર્વ અને પૂર્વ-મધ્ય અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે કેરળા કેટલાક ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, જ્યારે કર્ણાટરના કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.


ગુજરાતમાં અલર્ટ
આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન આવી શકે છે. તટીય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાનની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આ અસર જોવા મળશે અને ભારેથી અતિ ભારે વરસાદ થશે. 9૦ થી 1૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. આવામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગીર, સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, દીવમાં અસર જોવા મળશે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થશે. 14 તારીખે પોરબંદર, જામનગર, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરીને તંત્રને અલર્ટ કરાયું છે. તમામ પોર્ટ પર નંબર 1 નું સિગ્નલ લગાવ્યું છે.

આ પણ વાંચોઃ મુંબઇ બાદ ગુજરાતના સુરતમાં પણ મેઘરાજાની પધરામણી

ગુજરાતમાં અમરેલીના જાફરાબાદ બંદર પર ફિશરીઝ વિભાગ દ્વારા વાવાઝોડાને પગલે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે, તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સિગ્નલને પગલે મોટા ભાગની બોટો જાફરાબાદ બંદર પર પરત પહોંચી ગઈ છે. તો બીજી તરફ પોરબંદર અને જામનગર કાંઠે પણ 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે.

gujarat ahmedabad