બીજેપીરાજમાં સ્કૂલોની ખરાબ હાલત, અમને તક આપો, નહીં તો ભગાડી દેજો : કેજરીવાલ

02 May, 2022 08:32 AM IST  |  Bharuch | Gujarati Mid-day Correspondent

ભરૂચના ચાંદેરિયા ગામમાં બીટીપી સાથે આદિવાસી સંકલ્પ રૅલીમાં દિલ્હીના મુખ્ય પ્રધાને બીજેપી, કૉન્ગ્રેસને ગણાવી અમીરોની પાર્ટી

ભરૂચના ચાંદેરિયામાં છોટુભાઈ વસાવા સાથે આદિવાસી સંકલ્પ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ

આ વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના નૅશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતના આદિવાસીઓ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમ જ ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના સ્થાપક છોટુ વસાવા સાથે મળીને ગરીબોની હાલત સુધારવા માટે કામ કરશું. વિધાનસભા ચૂંટણી પહેલાં પોતાની પહેલી રાજકીય રૅલીમાં બીજેપી અને કૉન્ગ્રેસ પર અમીરોને સાથ આપવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે આપણા દેશની બે સૌથી વધુ અમીર વ્યક્તિ ગુજરાતની છે. વળી દેશના સૌથી ગરીબ આદિવાસી પણ ગુજરાતના છે. તેમણે ભરૂચના ચાંદેરિયા ગામમાં બીટીપી સાથે આદિવાસી સંકલ્પ મહા સંમેલન રૅલીમાં હાજરી આપી હતી.

રાજ્યમાં સરકારી સ્કૂલોની ખરાબ હાલત પર ગુજરાતની બીજેપી સરકારની ટીકા કરતાં એવો દાવો કર્યો હતો કે મર્જ કરવાના બહાના હેઠળ ગુજરાતમાં ૬૦૦૦ સ્કૂલોને બંધ કરી દેવામાં આવી હતી. દિલ્હી જેવી સ્કૂલો બનાવવા માટે તેમણે લોકો પાસે સમર્થનની માગણી કરી હતી. તેમણે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીમાં આવેલી સ્કૂલો તેમ જ હૉસ્પિટલની મુલાકાત લેવા માટે કહ્યું હતું. કેજરીવાલે કહ્યું હતું કે ૨૭ વર્ષ શાસનમાં રહ્યા છતાં ગુજરાતમાં સ્કૂલોની હાલત સુધરી નથી. તેમને વધુ પાંચ વર્ષ આપશો તો પણ તેઓ કંઈ નહીં કરે. અમને એક તક આપો, જો અમે સ્કૂલોની હાલત સુધારી ન શક્યા તો અમને ભગાડી દેજો.’

આપના નેતાએ ફ્રી ઇલેક્ટ્રિસિટી, ભ્રષ્ટાચારમુક્ત સરકારી સર્વિસ તેમ જ ગુજરાતના લોકોને નવી નોકરીનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે બીજેપીના અભિમાનને એક વખત તોડો. આપને મત આપો. બીજેપીવાળા આપથી ડરી ગયા છે. તેઓ કહે છે કે જો આપને સમય મળ્યો તો બીજેપી ગુજરાત ગુમાવશે. એથી તેઓ હમણાં જ ગુજરાતની ચૂંટણી કરાવવા માગે છે.

સીઆર પાટીલ તો મહારાષ્ટ્રના, બીજેપીને એક પણ ગુજરાતી ન મળ્યો
સીઆર પાટીલને લઈને ગુજરાત બીજેપીની ટીકા કરતાં કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાત બીજેપીના પ્રમુખ કોણ છે? સીઆર પાટીલ તેઓ ક્યાંના છે? મહારાષ્ટ્રના. બીજેપીને ૬.૫ કરોડ ગુજરાતીઓ પૈકી પોતાના પ્રમુખ તરીકે એક પણ વ્યક્તિ ન મળી. આ તો ગુજરાતના લોકોનું અપમાન છે. 

gujarat gujarat news aam aadmi party arvind kejriwal bharuch