ગીર-સોમનાથમાંથી વધુ એક દીપડો પકડાયોઃ લોકોમાં હાશ

14 December, 2019 11:02 AM IST  |  Una

ગીર-સોમનાથમાંથી વધુ એક દીપડો પકડાયોઃ લોકોમાં હાશ

દીપડો

(જી.એન.એસ.) અમરેલીના બગસરા નજીક મંગળારે આદમખોર દીપડાને ઠાર કરી દેવામાં જંગલ ખાતાને સફળતા મળ્યા બાદ ગુરુવારે રાત્રે ગીર સોમનાથમાંથી વધુ એક દીપડાને પકડી લેવામાં સફળતા મળી છે. વન વિભાગના સર્ચ ઑપરેશન દરમિયાન વધુ એક દીપડો પાંજરે પુરાયો છે.

વન વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ ઉનાના સીમાસી ગામની સીમ નજીક ગોઠવવામાં આવેલા ટ્રૅપમાં દીપડો પુરાયો છે. વન વિભાગના ૨૦૦ અધિકારીઓએ કાફલો છેલ્લા એક સપ્તાહથી ગીર, ઉના, અમરેલી અને બગસરા આસપાસના વિસ્તારોમાં મેગા સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે અને માનવભક્ષી દીપડાને પકડવામાં આવી રહ્યા છે. અગાઉ પણ અમરેલી નજીકના કાગદડી ગામની સીમમાં મૂકેલા એક પાંજરામાં દીપડી પકડાઈ હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

ત્યાર બાદ મંગળવારે બગસરામાં સિયારામ ગૌશાળા નજીક શિકાર માટે આવેલા આદમખોર દીપડાને ઠાર કરી દેવાયો હતો. ગુરુવારે ગાંધીનગર ખાતે મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાતમાં જંગલ અને શહેરી વિસ્તારમાં દીપડાના વધતા ત્રાસ અંગે ચર્ચા કરાઇ હતી. રાજ્ય સરકારે દીપડાને સરળતાથી ટ્રેસ કરવા કૉલર આઇડી લગાવવા તેમ જ વસ્તી નિયંત્રિત કરવા માટે ખસીકરણ કરવાનો નિર્ણય લીધો છે.

gujarat