અમરેલીમાં પુલ પર અડધી લટકી બસ, મુસાફરોનો જીવ જોખમમાં મૂકાયો

24 June, 2019 12:02 PM IST  |  અમરેલી

અમરેલીમાં પુલ પર અડધી લટકી બસ, મુસાફરોનો જીવ જોખમમાં મૂકાયો

હવામાં લટકી બસ

રાજ્યમાં એસટીની બસના અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. આ વખતે અમરેલી જિલ્લામાં એસટી બસને એક એવો અકસ્માત નડ્યો કે અંદર બેસેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. બગસરાથી બગદાણા રૂટની આ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને અમરેલીના જીવાપર ગામ નજીક અકસ્માત નડ્યો. અકસ્માત દરમિયાન બસ અડધી હાઈવે પર અને અડધી બીજી તરફ લટકી ગઈ, જેને કારણે બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

આ પણ વાંચોઃ સુરતના બિલ્ડરોના મૅનેજરે નવસારીના ધામણ ગામે કરેલી સુસાઇડનો વિડિયો વાઇરલ

7 મુસાફરોને પહોંચી ઈજા

મળતી માહિતી પ્રમાણે આ એસટી બસમાં 30 જેટલા મુસાફરો હતા. જેમાંથી 7 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી છે. અકસ્માતની ઘટનાની જાણ થતા જ ખાંભા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ચોંકાવનારી વાત એ છે કે બસના મુસાફરોએ ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવતો હોવાની ફરિયાદ કરી છે.

અડધી હવામાં લટકી બસ

મુસાફરોના કહેવા પ્રમાણે બગદાણા-બગસરા રૂટની જીજે 18 ઝેડ 0674 નંબરની એસટી બસના ચાલક ભગુભાઇ ડી. બસિયાએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો. અને બગદાણા-બગસરા વચ્ચેની બસ ખાંઙાના જીવાપર કાતર ગામને જોડતા પુલ પર અડધી લટકી ગઇ હતી. મુસાફરોએ બસનો ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાની ફરિયાદ કરી છે. બસમાં 30 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જેમાં 7ને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અગાઉ એક રેતી ભરેલું ટ્રેક્ટર અને બેલા ભરેલું એક ટ્રેક્ટર પણ પુલ પરથી નીચે ખાબક્યું હતું.

gujarat news