અમદાવાદીઓએ દશેરા નિમિત્તે મોજથી ફાફડા-જલેબીની જયાફત માણી

06 October, 2022 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દશેરાના દિવસે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ફરસાણની દુકાનો ઉપરાંત ઠેર-ઠેર કામચલાઉ સ્ટૉલ્સમાં ફાફડા-જલેબી ગરમાગરમ ઊતરી રહ્યાં હતાં અને શહેરીજનો ફાફડા-જલેબી લેવા ઊમટ્યા હતા.

અમદાવાદીઓએ દશેરા નિમિત્તે મોજથી ફાફડા-જલેબીની જયાફત માણી


અમદાવાદ ઃ દશેરા નિમિત્તે ગઈ કાલે અમદાવાદીઓએ મોજથી ફાફડા-જલેબીની જયાફત માણી હતી. ફાફડા-જલેબીમાં ભાવવધારો થયો હોવા છતાં પણ એની ચિંતા કર્યા વગર અમદાવાદ સહિત ગુજરાતભરના સ્વાદના શોખીનોએ મન મૂકીને ફાફડા-જલેબી ખાધાં હતાં.
અમદાવાદમાં નોમની રાતે જ ગરબા રમીને ઘરે જતા ખેલૈયાઓ રાતે જ ફાફડા-જલેબીનો નાસ્તો કરીને જ ઘરે ગયા હતા. ગઈ કાલે દશેરાના દિવસે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં ફરસાણની દુકાનો ઉપરાંત ઠેર-ઠેર કામચલાઉ સ્ટૉલ્સમાં ફાફડા-જલેબી ગરમાગરમ ઊતરી રહ્યાં હતાં અને શહેરીજનો ફાફડા-જલેબી લેવા ઊમટ્યા હતા. અમદાવાદમાં ૪૪૦ રૂપિયાના કિલો ફાફડા અને ૪૬૦ રૂપિયે કિલો ઘીની જલેબીના ભાવની પરવા કર્યા વગર શહેરીજનોએ મોજ માણી હતી. અમદાવાદ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા, પાલનપુર, નવસારી, વલસાડ સહિત ગુજરારભરમાં ફાફડા–જલેબીના સ્ટૉલ્સ પર સવારથી જ લાંબી-લાંબી લાઇનો લાગી હતી અને સૌએ પોતપોતાના હિસાબે 
ફાફડા-જલેબીની ખરીદી કરી હતી.

gujarat news ahmedabad dussehra