મધર્સ ડેની ઉજવણી પહેલાં ૩૫ વિધવા માતાઓનું પૂજન

14 May, 2023 12:56 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં માનવ સેવા ટ્રસ્ટે સમાજના સંકુચિત રિવાજો સામે જાગૃતિ લાવવા કરી અનોખી પહેલ, સાણંદ તાલુકાની ૩૫ વિધવા મહિલાઓનો સોનાની ચૂની આપી, શાલ ઓઢાડી, હાર પહેરાવી આદર-સત્કાર કર્યો

મધર્સ ડે પહેલાં સાણંદમાં ૩૫ વિધવા મહિલાઓનું સન્માન કરાયું હતું

ગ્રામ્ય વિસ્તારોમાં વિધવા મહિલાઓને ઉચિત સન્માન મળી રહે અને સમાજ તેમને સ્વીકારે એવા આવકારદાયક વિચાર સાથે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં માનવ સેવા ટ્રસ્ટે સમાજના સંકુચિત રીતરિવાજો સામે જાગૃતિ લાવવા અનોખી પહેલ કરતાં મધર્સ ડેની ઉજવણી પહેલાં ૩૫ વિધવા માતાઓનું પૂજન કરી, પોંખીને સન્માન બક્ષીને તેમને સ્પેશ્યલ ફીલ કરાવતાં આ મહિલાઓ ભાવુક બની હતી.

આજે સમગ્ર વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી થશે. માતાઓના ગુણગાન ગવાશે અને લોકો પોતાની શક્તિ પ્રમાણે માતાઓને ગિફ્ટ આપીને તેમની વંદના કરશે ત્યારે ગુજરાતના સાણંદ તાલુકાની ગ્રામીણ વિસ્તારની ૩૫ વિધવા મહિલાઓને મધર્સ ડે પહેલાં જ ઍડ્વાન્સમાં સ્પેશ્યલ ફીલ કરાવ્યું હતું. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઢોલ-શરણાઈના સૂરતાલ સાથે ૫૫થી ૮૦ વર્ષની મહિલાઓ પર ફૂલોની છોળો ઉડાડીને તેમને આવકાર્યાં હતાં અને તેમને સોનાની ચૂની આપી, શાલ ઓઢાડી, હાર પહેરાવી આદર-સત્કાર કર્યો હતો. આ રીતના સન્માનથી મહિલાઓ ભાવુક બની હતી.

મધર્સ ડે પહેલાં સાણંદમાં વિધવા માતાઓનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું

માનવ સેવા ટ્રસ્ટના ચૅરમૅન મનુભાઈ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મધર્સ ડે નિમિત્તે અમે ગ્રામીણ વિસ્તારની વિધવા મહિલાઓને બોલાવીને તેમને ઍડ્વાન્સમાં શુભેચ્છા આપી છે અને સમાજમાં રીતરિવાજોના સંકુચિત વાડાઓને તોડવાનો પ્રયાસ કર્યો છે. આની પાછળનો અમારો ઉદ્દેશ સમાજ તેમને સ્વીકારે એ છે. આ માતાઓનું તિલક કરીને, ગુલાબના હાર પહેરાવીને, શાલ ઓઢાડીને તેમની માતૃવંદના કરી હતી. વિધવા મહિલાઓનું સન્માન કરવાની વાત જાણીને અમારા મિત્ર કમલેશ શાહ આગળ આવ્યા હતા અને આ મહિલાઓને સોનાની ચૂની ભેટ આપી હતી. ઇન્દુબા વાઘેલા સહિત સાણંદના આગેવાનો, કાર્યકરોએ વિધવા મહિલાઓને આવકાર્યાં હતાં તેમ જ ઢોલ અને શરણાઈના સૂર સાથે તેમને આનંદ કરાવ્યો હતો. ૮૦ વર્ષનાં ગુણીબહેને આંખમાં હર્ષનાં આંસુ સાથે અમને કહ્યું હતું કે ‘આવા હાર તો અમે અમારાં લગનમાં પણ નોહતાં પહેર્યાં. જીવનમાં પહેલી વાર આવા ગુલાબના હાર પહેર્યા છે.’ ૫૫થી લઈને ૮૦ વર્ષ સુધીની આ મહિલાઓને સન્માન મળતાં તેઓ ખુશ થઈ અને ભાવુક બની હતી.’

આ પહેલ દ્વારા સમાજમાં રહેલા કુવિચારો દૂર થશે એવો આયોજકોને વિશ્વાસ હતો. 

gujarat gujarat news ahmedabad mothers day shailesh nayak