ગુજરાતમાં એકધારા વધી રહેલા કોરોના કેસને લીધે વૉલન્ટરી લૉકડાઉન?

19 November, 2020 08:01 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં એકધારા વધી રહેલા કોરોના કેસને લીધે વૉલન્ટરી લૉકડાઉન?

અમદાવાદમાં પાણીપૂરીના ખૂમચા પર પાણીપૂરી ખાવા નાગરિકોનાં ટોળાં ઊમટતાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. અંતે આ ખૂમચા - લારીઓને બંધ કરાવાયાં હતાં.

તહેવારો દરમ્યાન અમદાવાદ સહિત ગુજરાતમાં વધતા જતા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઇને ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનની અપીલના પગલે ગુજરાતના ૨૨૦૦ જેટલા વેપારી એસોસિએશનો સ્વૈચ્છિક રીતે લૉકડાઉન કરી શકે છે અને તેમના ધંધા–રોજગારમાં કામકાજના કલાકોમાં ઘટાડો કરવા વિવિધ વેપારી અસોસિએશનો પણ સમર્થન આપીને અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ રોકવા સહયોગ આપવા આગળ વધી રહ્યાં છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા બજારોમાં અવરજવર ઓછી થાય એવું આયોજન કરવા સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર સહિતનાં ગુજરાતનાં વિવિધ શહેરોના વેપારી મહાજનો અને ચેમ્બર ઑફ કૉમર્સને અપીલ કરવામાં આવી રહી છે. આ અપીલના પગલે લાભ પાંચમ–સાતમના મુરત બાદ કામકાજના સમયમાં ઘટાડો કરીને બજારમાં નાગરિકોની અવરજવર ઓછી થાય એ રીતે પ્રયાસો હાથ ધરવા વિવિધ વેપારી અસોસિએશને વિચારણા હાથ ધરી છે.

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા પાંચેક દિવસથી બજારોમાં ભીડ થઈ ગઈ છે અને કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે કોરોનાના સંક્રમણને વધતું અટકાવવાના ભાગરૂપે નાગરિકો બજારમાં ઓછા આવે એવો પ્રયાસ કરીને કામકાજના કલાકો ઘટાડવાનું આયોજન વિચાર્યું છે. એના માટે અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર સહિતનાં શહેરોમાં વિવિધ વેપારી મહાજનો, ચેમ્બર ઑફ કૉમર્સને અપીલ કરી છે. આ મુદ્દે વાત થઈ છે અને સહકાર માગ્યો છે ત્યારે અમને એમાં સમર્થન મળી રહ્યું છે. કોરોના સામે લડવા માટે વેપારી મહાજનો સરકારને મદદ કરી શકે છે.’

તેમણે વધુમાં કહ્યું હતું કે ‘અમદાવાદમાં ચાની દુકાનથી લઈને માધુપુરા અનાજ બજાર, લોખંડબજાર, હાર્ડવેર બજાર, ઑટોમોબાઇલ બજાર કે જ્યાં હોલસેલ બજારમાં ભીડ થતી હોય છે ત્યાંના બજારોના અંદાજે ૪૦થી ૪૫ હજાર જેટલા વેપારીઓ છે જેઓ તેમના કામકાજના કલાકોમાં ઘટાડો કરીને બજારમાં અવરજવર ઓછી થાય એવું આયોજન કરે એ વિશે વાત કરવામાં આવી છે.’

અમદાવાદની પરિસ્થિતિ ડેન્જરસ

છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને સંક્રમણને અંકુશમાં લેવા ગઈ કાલે બેઠક યોજી હતી એટલું જ નહીં, તહેવારોના આ દિવસોમાં અમદાવાદમાં નાગરિકોએ પાણીપૂરી, સૅન્ડસિચ, પીત્ઝા, બર્ગર જેવા નાસ્તાના સ્ટૉલ પર ભીડ કરી મૂકી હતી. ટોળે વળેલા નાગરિકોએ સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવતાં તેમ જ મોટા ભાગના નાગરિકો માસ્ક પણ નહીં પહેરેલા જોવા મળ્યા હતા. એથી ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં જે સ્ટૉલ પર માણસોનાં ટોળાં હોય અને સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવતા હોય એવા સ્ટૉલને બંધ કરાવી સીલ કરી દીધા હતા.

ગુજરાતમાં અનાજ–કરિયાણા બજાર, લોખંડ બજાર, કાપડ બજાર, હાર્ડવેર બજાર, ઑટોમોબાઇલ બજાર સહિતનાં અંદાજે ૩૩૦૦ જેટલાં વેપારી અસોસિએશનો છે એમાંથી આશરે ૨૨૦૦થી ૨૪૦૦ જેટલાં વેપારી અસોસિએશનો આમાં જોડાય એમ છે. વેપારી અસોસિએશનો ધંધાના સ્થળે કામકાજના કલાકોમાં ઘટાડો કરવા જોડાશે.

gujarat ahmedabad shailesh nayak coronavirus covid19