અમદાવાદ: સ્ટેડિયમમાં ટ્રમ્પ-મેલાનિયા માટે સ્પેશ્યલ રૂમ

18 February, 2020 11:58 AM IST  |  Ahmedabad

અમદાવાદ: સ્ટેડિયમમાં ટ્રમ્પ-મેલાનિયા માટે સ્પેશ્યલ રૂમ

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાત બહુ જ ખાસ બની રહેવાની છે તેથી આ મુલાકાત પર સૌની નજર છે. ત્યારે અમેરિકન ડેલિગેશનનું પહેલું પ્લેન અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચી ચૂક્યું છે. સુરક્ષા સાધનો અને જરૂરી સામાન લઈને અમેરિકાથી વિશેષ પ્લેન અમદાવાદ ઍરપોર્ટ પર લૅન્ડ થયું હતું. આ સાથે જ અમેરિકી સ્નાઇપર અને ફાયર-સેફ્ટી સિસ્ટમ, સ્પાય કૅમેરા અને મરીન કમાન્ડોથી જોડાયેલી સુરક્ષા સામગ્રી અમદાવાદ લાવવામાં આવી છે. અમદાવાદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પહેલું પ્લેન અમદાવાદ પહોંચ્યું હતું.

મોટેરા મેદાનમાં આવેલા ક્લબ હાઉસમાં ડોનલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. રોડ-શો મારફત મોટેરા પહોંચનાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ક્લબ હાઉસના આ અલાયદા રૂમમાં ટ્રમ્પ દંપતી તૈયાર થશે. તેઓ કૉફીનો સ્વાદ માણ્યા બાદ ટ્રમ્પ દંપતી મેદાનની અંદર પ્રવેશ કરશે.

ટ્રમ્પના રૂટને ૧ લાખ વૃક્ષો અને વિવિધ ફૂલોથી સુશોભિત કરવામાં આવશે

અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ૨૪ ફેબ્રુઆરીએ ગુજરાતના મહેમાન બનવાના છે. અમદાવાદમાં નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન સમારોહમાં તેઓ હાજરી આપવાના છે ત્યારે અમદાવાદ શહેરને દુલ્હનની જેમ શણગારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પીએમ મોદી અને ટ્રમ્પની ખાસ મુલાકાત અને શહેરના બ્યુટિફિકેશન માટે ૧૨૦ કરોડનો ખર્ચ કરવામાં આવવાનો છે. ટ્રમ્પ જે રૂટ પરથી પસાર થવાના છે ત્યાં અનેકવિધ ફૂલો અને વૃક્ષોનું સુશોભન કરવામાં આવી રહ્યું છે.

gujarat ahmedabad donald trump narendra modi