43.7 ડિગ્રીની કાળઝાળ ગરમી : ગુજરાતભરમાં હજી બે દિવસ હીટવૅવની આગાહી

27 May, 2020 10:15 AM IST  |  Mumbai | Mumbai Correspondent

43.7 ડિગ્રીની કાળઝાળ ગરમી : ગુજરાતભરમાં હજી બે દિવસ હીટવૅવની આગાહી

પ્રતીકાત્મક તસવીર

એક તરફ કોરોનાની મહામારીથી ગુજરાતમાં અમદાવાદ કોરોનાગ્રસ્ત થઇ ચુક્યું છે ત્યારે બીજી તરફ ગઇકાલે કોરોનાના કારણે નહી પરંતુ ગરમીના પ્રકોપથી બપોરના સમયે અમદાવાદના રસ્તા જાણે કે સુમસામ થઇ ગયા હતા. ૪૩.૭ ડિગ્રીની કાળઝાળ ગરમીમાં આખુ અમદાવાદ રીતસરનું શેકાઇ ગયું હતું. બીજી તરફ અમદાવાદ ઉપરાંત ભાવનગર અને પોરબંદરમાં પણ ગરમીનો પારો ૪૩.૭ ડીગ્રી સેલ્સિયસે પહોંચતા સ્થાનિક રહીશો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા હતા.હવામાન વિભાગે અગામી બે દિવસ સુધી ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે.

અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત છે. નાગરિકો કોરોનાની બિમારીથી ત્રસ્ત થઇ ગયા છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં ગરમીનુ પ્રમાણ વધી રહ્યું છે. ગઇકાલે અમદાવાદમાં ગરમીનો પારો ૪૩.૭ ડીગ્રીએ પહોંચ્યો હતો. કાળઝાળ ગરમીની સાથે સાથે ગરમ પવનોના કારણે અંગ દઝાડતી ગરમીથી નાગરીકો પરેશાન થઇ ગયા હતા.બપોરના સમયે તો જાણે અમદાવાદમાં કરફ્યુ લાગી ગયો હોય તેમ રસ્તાઓ પર એકલ દોકલ વાહન ચાલકો જોવા મળ્યા હતા. મોડી સાંજે પણ ગરમ પવનો વાયી રહ્યાં હોવાથી નાગરિકોને ગરમીથી છુટકારો મળ્યો નહોતો.

ગુજરાતમાં ગઇકાલે અમદાવાદ ઉપરાંત ભાવનગર અને પોરબંદરમાં ગરમીનો પારો ૪૩.૭ ડીગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.આ ઉપરાંત ડીસામાં ૪૨.૪, ગાંધીનગરમાં ૪૩.૨, વલ્લભવિદ્યાનગરમાં ૪૨.૯, વડોદરામાં ૪૨, રાજકોટમાં ૪૧.૮, સુરેન્દ્રનગરમાં ૪૨.૩, મહુવામાં ૪૧.૬, કંડલામાં ૪૨.૨, અમરેલીમાં ૪૩ ડીગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયુ હતું.

હવામાન વિભાગે આગાહી કરી છે કે અગામી બે દિવસ સુધી ગુજરાતમાં હીટવેવ રહેશે અને તાપમાન ૪૧થી ૪૩ ડીગ્રી વચ્ચે રહેશે.

gujarat ahmedabad