ગુજરાતમાં બનશે ચાર વૉટર ઍરોડ્રોમ, પાણીમાંથી ​સીધા આકાશમાં...

15 July, 2020 01:28 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં બનશે ચાર વૉટર ઍરોડ્રોમ, પાણીમાંથી ​સીધા આકાશમાં...

ઍરોડ્રોમ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા વૉટર ઍરોડ્રોમનુ સપનું હવે સાકાર થવા તરફ આગળ વધ્યું છે. ગુજરાતના અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમ, પાલિતણા ખાતે શેત્રુંજય ડૅમ અને ઉત્તર ગુજરાતના ધરોઈ પાસે ધરોઈ ડૅમ ખાતે વૉટર ઍરોડ્રોમ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એ માટે ગુજરાત સરકાર દ્વારા આજે વિધિવત્ દરખાસ્ત કરવામાં આવશે. વૉટર ઍરોડ્રોમની સેવા શરૂ થશે ત્યારે અંબાજી, શેત્રુંજય જેવા યાત્રાધામ તેમ જ નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર જેવા પ્રવાસન સ્થળે જવું સહેલું બનશે.

ગુજરાતમાં ચાર વૉટર ઍરોડ્રોમના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા સાથે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (એમઓયુ) કરવા માટે આજે મળનારી ગુજરાતના પ્રધાનમંડળની બેઠકમાં દરખાસ્ત કરવાનો નિર્ણય ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યો છે. ભારત સરકારની રીજનલ કનેક્ટિવિટી સ્કીમ ઉડાન ૩ અને ૪ અંતર્ગત અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદા–કેવડિયા ખાતે સરદાર સરોવર ડૅમ, પાલિતાણા ખાતે શેત્રુંજય ડૅમ અને ધરોઈ ખાતે ધરોઈ ડૅમ ખાતે વૉટર ઍરોડ્રોમ વિકસાવી હવાઈ સર્વિસ શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં આ વૉટર ઍરોડ્રોમ સર્વિસ શરૂ થશે ત્યારે સહેલાણીઓને વધુ હવાઈ સેવા ઉપલબ્ધ થશે અને પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે. બીજી તરફ કુદરતી આપદા દરમ્યાન આ વૉટર ઍરોડ્રોમ ઉપયોગી પણ બની રહેશે. ઍરપોર્ટ ઑથોરિટી વૉટર ઍરોડ્રોમના વિકાસ માટે માસ્ટર પ્લાનિંગ માટે ગુજરાત સરકારને મદદ કરશે.

gujarat ahmedabad shailesh nayak narendra modi