સફાઈ કર્મચારીના સ્થાનિકોએ કરેલા અભિવાદનમાં સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી

04 April, 2020 07:46 AM IST  |  Mumbai Desk | Shailesh Nayak

સફાઈ કર્મચારીના સ્થાનિકોએ કરેલા અભિવાદનમાં સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી

અમદાવાદમાં ઇન્ડિયા કૉલોની વૉર્ડમાં આવેલા મ્યુનિસિપલ લેબર ક્વૉર્ટર્સમાં સફાઈકામ માટે આવતા કર્મચારીઓનું ગઈ કાલે હાર પહેરાવી, ચાંલ્લા કરી, આરતી ઉતારીને અભિવાદન કરવામાં આવ્યું હતું.

કોરોનાની મહામારીમાં દેશઆખો લૉકડાઉન થયો છે ત્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ લેબર ક્વૉર્ટર્સ સોસાયટીએ આવકારદાયક અને અનુકરણીય પહેલ કરી છે. ક્વૉર્ટર્સમાં રોજેરોજ સફાઈકામ કરવા આવતા સફાઈ કર્મચારીઓ પર ક્વૉર્ટર્સના રહેવાસીઓએ પુષ્પવર્ષા કરી, હાર પહેરાવી, કુમકુમ તિલક કરી, આરતી ઉતારીને તેમનું અભિવાદન કર્યું હતું. કોરોનાના કેર વચ્ચે પોતાના જીવની પરવા કર્યા વગર રોજેરોજ ઘરેથી બહાર નીકળી સફાઈકામ કરવા આવતા સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કરીને તેમની કામગીરીને ક્વૉર્ટર્સના રહેવાસીઓએ બિરદાવી હતી.

જોકે આ સારી પહેલના ઉત્સાહમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમની ઐસી કી તૈસી થઈ ગઈ હતી. લોકોએ તિલક કરવા અને હારતોરા કરવામાં જરૂરી યોગ્ય અંતર જાળવ્યું નહોતું. સફાઈ કર્મચારીઓનું અભિવાદન કરવાના ઉત્સાહમાં જાણ્યે-અજાણ્યે સોશ્યલ ડિસ્ટન્ટસ જળવાયું નહોતું. ક્વૉર્ટર્સમાં સફાઈકામ માટે આવતા પાંચ કર્મચારીઓનું સ્વાગત કરવામાં તેઓ એકઠા થયા હતા. તેમને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું કહ્યું હતું, પરંતુ અભિવાદન કરવાના ઉત્સાહમાં આ અંતર જળવાયું નહોતું.
અમદાવાદમાં ઇન્ડિયા કૉલોની વૉર્ડમાં આવેલા મ્યુનિસિપલ લેબર ક્વૉર્ટર્સમાં સફાઈકામ માટે આવતા કર્મચારીઓ માટે પ્રેરણાદાયક અને ઉદાહરણીય પહેલ કરીને સફાઈ કર્મચારીઓનું અભિવાદન કરવાના મુદ્દે સ્થાનિક રહેવાસી અને કૉર્પોરેટર યશવંત યોગીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશ અત્યારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે લૉકડાઉનની સ્થિતિ વચ્ચે પણ સફાઈ કર્મચારીઓ રોજેરોજ સફાઈ કરવા માટે શહેરમાં નીકળે છે. અમારા ક્વૉર્ટર્સમાં પાંચ સફાઈ કર્મચારીઓ સફાઈ કરવા રોજ આવે છે એટલે તેમનું સ્વગત કરીને પ્રોત્સાહિત કરવાનું અમે નક્કી કર્યું હતું. ગઈ કાલે સવારે જ્યારે આ સફાઈ કર્મચારીઓ અમારે ત્યાં સફાઈ કરવા આવ્યા ત્યારે તેમના પર રહેવાસીઓએ ફૂલોની પાંખડીઓ વરસાવી હતી, હાર પહેરાવ્યા હતા, ચાંલ્લા કરવામાં આવ્યા હતા અને આરતી ઉતારીને તેમને શુભેચ્છા આપી હતી.’
તેઓએ કહ્યું હતું કે ‘આ કર્મચારીઓ રોજ ડોર-ટુ-ડોર સફાઈ કરે છે, કચરો ઉપાડે છે અને સોસાયટીમાં સાફસફાઈ કરે છે. આજે આખો દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે આ કર્મચારીઓ સફાઈ કરીને કોરોના સામે લડી રહ્યા છે ત્યારે તેમનું અભિવાદન કરીએ તો કર્મચારીઓ પ્રોત્સાહિત થાય.’

shailesh nayak gujarat ahmedabad coronavirus covid19