ઉતરાણમાં પતંગનો માંજો જીવલેણ ન બને એ માટે વિશેષ અભિયાન

08 January, 2026 07:52 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદ પોલીસે ૫૦૦+ ટૂ-વ્હીલરમાં સેફ્ટી-ગાર્ડ ફિટ કર્યાં અને ચાલકોના ગળામાં પહેરાવ્યાં નેક-પ્રોટેક્શન કવર

અમદાવાદ પોલીસે ટૂ-વ્હીલરચાલકોના ગળામાં નેક-પ્રોટેક્શન કવર લગાડ્યાં હતાં અને વાહન પર સેફટી-ગાર્ડ ફિટ કરી આપ્યાં હતાં.

ગુજરાતમાં ઉતરાણ ધામધૂમથી ઊજવાય છે ત્યારે આ ઉજવણીમાં પતંગની દોરી વાહનચાલકો માટે જોખમી ન બને એ માટે અમદાવાદ પોલીસે સેફ ઉતરાણનું અભિયાન હાથ ધર્યું છે. એના ભાગરૂપે શહેરના મણિનગર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં ૫૦૦થી વધુ વાહનચાલકોના ગળામાં વિનામૂલ્યે નેક-પ્રોટેકશન કવર પહેરાવ્યાં હતાં અને વાહન પર સેફટી-ગાર્ડ ફિટ કરી આપ્યાં હતાં.  
પતંગની દોરી વાહનચાલકો માટે જીવલેણ સાબિત ન થાય એ માટે અમદાવાદ શહેર પોલીસે સુરક્ષા પ્રથમના મંત્ર સાથે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. ઉચ્ચ પોલીસ-અધિકારીઓ સહિતના કર્મચારીઓએ મણિનગર વિસ્તારમાં વાહનચાલકોને ગળામાં નિઃશુલ્ક નેક-પ્રોટેકશન કવર લગાડ્યાં હતાં તેમ જ સ્થળ પર જ તેમના વાહન પર એક પણ રૂપિયાનો ચાર્જ વસૂલ્યા વગર સેફ્ટી-ગાર્ડ ફિટ કરી આપ્યાં હતાં. 

વાહનચાલકોને ટિપ્સ
પોલીસ-અધિકારીઓએ પતંગની દોરીથી બચવા માટે વાહનચાલકોને ટિપ્સ આપી હતી અને અપીલ કરી હતી કે ‘ચાઇનીઝ દોરી કે નાયલૉન માંજો વાપરવો એ ગુનો છે તેમ જ એ માણસો અને પશુપક્ષીઓ માટે જોખમી છે એટલે એનો ઉપયોગ કરશો નહીં. ઉતરાણના બે દિવસ દરમ્યાન વહેલી સવારે અને મોડી સાંજે જ્યારે પક્ષીઓની અવજરજવર વધુ હોય છે ત્યારે પતંગ ચગાવવાનું ટાળજો. ઉતરાણ દરમ્યાન ટૂ-વ્હીલરચાલકો ગળામાં મફલર કે પ્રોટેક્શન-બૅન્ડ અવશ્ય પહેરીને નીકળજો.’

સીવુડ્સ ટ્રાફિક-પોલીસની ગાંધીગીરી

અકસ્માતો અટકાવવાના અને સેફ ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવાના હેતુથી સીવુડ્સ ટ્રાફિક-પોલીસે સીટ-બેલ્ટ પહેરેલા વાહનચાલકોને ગુલાબ આપીને સન્માનિત કરવાનો નવતર પ્રયોગ કર્યો છે. રોડ સેફ્ટી અવેરનેસના ભાગરૂપે હાથ ધરવામાં આવેલી આ પહેલમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને દંડ કરવાને બદલે નિયમોનું પાલન કરનારાને શાબાશી આપવા પર પોલીસ ધ્યાન આપ્યું છે.

gujarat news gujarat government ahmedabad ahmedabad municipal corporation gujarat police makar sankranti uttaran