Gujarat : ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં PIL

05 January, 2021 07:01 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Gujarat : ઉત્તરાયણની ઉજવણી પર રોક લગાવવા ગુજરાત હાઈકોર્ટમાં PIL

પ્રતીકાત્મક તસવીર.. તસવીર સૌજન્ય - જાગરણ

ઉત્તરાયણની ઉજવણીનો મુદ્દો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે. ગુજરાત હાઈકોર્ટમાં એક PIL દ્વારા કોવિડ-19ના રોગચાળાથી બચવા માટે ગુજરાતના શહેરો અને તાલુકા કેન્દ્રોમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ ચગાવવાની ઉજવણી પર રોક લગાવવાની માંગ સાથે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ છે. દાખલ કરેલી પિટિશનમાં એવું કહેવામાં આવ્યું છે કે કોરોના વાઈરસ જેવી મહામારીમાં ઉત્તરાયણની ઉજવણી પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવે.

આ સાથે જ પતંગનો માંજાના ખરીદી અને વેચાણ પર આ વખતે ભીડ એકત્રિત ન થાય અને બજાર કે ટેરેસ પર એકલ જગ્યા પર લોકો ભેગા ન થાય એવો પ્રતિબંધ પણ મૂકવો જોઈએ. કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ભીડને અટકાવવી જરૂરી છે. ત્યારે હાઈકોર્ટે રાજ્ય સરકારને વલણ સ્પષ્ટ કરવા હુકમ કર્યો છે. સરકારને શુક્રવાર સુધીમાં ખુલાસો કરવા જણાવવામાં આવ્યુ છે. ત્યારે આ મામલે વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ થવાની છે.

કોરોનાને રોકવાથી લઈને લોકો માટે વેક્સિન ઉપલબ્ધ કરાવવાની બધી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્યમાં કોરોના ચેપનો ફેલાવો ન થાય તે માટે સરકારે લોકોને આગામી મકર સક્રાંતિ તહેવાર પર એક જગ્યાએ એકત્ર ન થવા સૂચના આપી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે કોરોના ચેપનું જોખમ ઘટાડવા સરકારે દર વર્ષે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને રદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકાર આગામી મકર સક્રાંતિ ઉત્સવ પર લોકોને એક છત પર એકઠા થવા દેશે નહીં. તેમણે સક્રાંતિ પર્વ વિશે માર્ગદર્શિકા તરીકે સંકેત આપ્યો છે કે એક પરિવારના પાંચ લોકો છત પર પતંગ ઉડાવી શકશે. હવે રાજ્યમાં ક્યાંય પણ 40-50 લોકોને છત પર એકઠા થવા દેવામાં આવશે નહીં.

નોંધપાત્ર વાત એ છે કે લૉકડાઉન દરમિયાન ગુજરાત પોલીસ સતત ડ્રોન દ્વારા છત ઉપર નજર રાખી રહી હતી. હાઇ રાઇઝ બિલ્ડિંગની છત પર લોકો એકઠા થયા ત્યારે પોલીસે અનેક જગ્યાએ કાર્યવાહી પણ કરી હતી. મકર સક્રાંતિ તહેવાર પર વહીવટ અને પોલીસ ડ્રોન કેમેરાની મદદ લઇ શકે છે જેથી લોકોને એક જ છત પર એકઠા ન થાય. નોંધનીય છે કે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન સરકારે ગરબા રમવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો.

gujarat ahmedabad