સ્કૂલમાં પહેલા જ દિવસે હાથમાં બુક્સને બદલે પકડવાં પડ્યાં ઝાડુ

07 June, 2023 09:15 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

સ્કૂલો શરૂ થતાં જ અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલમાં બાળકોને અભ્યાસને બદલે કરાવાઈ સફાઈ, આ ગંભીર ઘટનામાં સ્કૂલ બોર્ડે મુખ્ય શિક્ષકને પાઠવી કારણદર્શક નોટિસ, બાળકો પાસે સફાઈકામ કરાવાતાં વાલીઓમાં ફેલાયો રોષ

અમદાવાદની વિવેકાનંદનગર મ્યુનિસિપલ સ્કૂલમાં સફાઈ કરતા વિદ્યાર્થીઓની વિડિયો-ક્લિપમાંથી ગ્રૅબ કરેલી તસવીર

ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રનો ગઈ કાલથી પ્રારંભ થયો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની એક શાળામાં પહેલા જ દિવસે વિદ્યાર્થીઓ પાસે શાળાની સફાઈ કરાવાતાં વિવાદ ઊઠવા પામ્યો હતો. હાથીજણ વિસ્તારમાં આવેલી વિવેકાનંદનગર શાળામાં ગઈ કાલે બાળકો પાસે સ્કૂલના મેદાનમાં સફાઈ કરાવાતાં વાલીઓમાં રોષ ફેલાયો હતો. આ ગંભીર ઘટના વિશે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારી છે.

અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી વિવેકાનંદનગર ગુજરાતી પ્રાથમિક શાળામાં ગઈ કાલે નવા શૈક્ષણિક સત્રનો પહેલો દિવસ હતો. વિદ્યાર્થીઓ સ્કૂલમાં હોંશે-હોંશે અભ્યાસ કરવા પહોંચ્યાં હતાં, પરંતુ પહેલા જ દિવસે વિદ્યાર્થીઓએ હાથમાં બુક્સને બદલે ઝાડુ પકડવા પડ્યાં હતાં. હાથમાં સાવરણી લઈને બાળકો પાસેથી મેદાનની સફાઈ કરાવી તેમ જ પાથરણાંઓની સફાઈ કરાવતો વિડિયો વાઇરલ થતાં વિવાદ સર્જાયો હતો. બાળકો પાસથી સ્કૂલમાં સફાઈકામ કરાવવામાં આવતાં વાલીઓમાં રોષ ફેલાયો હતો અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સામે સવાલો ઉઠાવ્યા હતા. એવું ચર્ચાઈ રહ્યું હતું કે સ્કૂલમાં સફાઈ-કર્મચારી હાજર ન હોવાથી બાળકો પાસે સ્કૂલના મેદાનની સફાઈ કરાવી હતી. જેને કારણે બાળકો દયનીય સ્થિતિમાં મુકાઈ ગયાં હતાં. સ્કૂલ ખૂલતાં પહેલા જ દિવસે અભ્યાસ કરવા આવેલાં બાળકો પાસે મજૂરની જેમ સફાઈકામ કરાવ્યાના આક્ષેપો થયા હતા તેમ જ અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પાસે કચરો સાફ કરાવવો કેટલો યોગ્ય ગણાય એવા પ્રશ્નો પણ ઉઠ્યા હતા.

આ વિવાદ વધતાં મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડે વિવેકાનંદનગર સ્કૂલના મુખ્ય શિક્ષકને કારણદર્શક નોટિસ પાઠવીને એનો જવાબ માગ્યો છે.

ahmedabad gujarat gujarat news shailesh nayak