28 August, 2026 08:04 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં શહેરના નાગરિકોના આરોગ્યને લઈને મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીમાં ગઈ કાલે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં આવેલી ૧૧૦૦ હોટેલો અને રેસ્ટોરાંના કિચનમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાડવા પડશે નાસ્તો કરવા કે જમવા માટે બેઠેલા ગ્રાહકો રસોડું જોઈ શકે એ રીતે ટીવી પણ લગાડવા પડશે. એટલું જ નહીં, શહેરમાં આવેલી મીઠાઈ તેમ જ ફરસાણની દુકાનોમાં ટેસ્ટિંગ કિટ ફરજિયાત કરાઈ છે. ગ્રાહકને ટેસ્ટિંગ કરવું હોય તો ટેસ્ટિંગ કિટ દુકાનદારે આપવી પડશે.
સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન કમલેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંદાજે ૧૧૦૦ જેટલી હોટેલો–રેસ્ટોરાંના કિચનની કામગીરી સ્પષ્ટપણે દેખાય એ રીતે CCTV કૅમેરા લગાડવા માટે સંચાલકોને સૂચના આપી છે. શક્ય હોય તો કિચન ઓપન રહે, ગ્લાસમાં રહે અને કેવી રીતે અને કઈ કન્ડિશનમાં રસોઈ બને છે એ કસ્ટમર જોઈ શકે. લોકો જ્યાં જમતા હોય ત્યાં ટીવી રાખવાનાં રહેશે જેથી રસોઈ કેવી રીતે બને છે એ જોઈ શકાય. આ વ્યવસ્થાનો હેતુ હોટેલમાં આવતા નાગરિકોને તેમને પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થો કઈ પરિસ્થિતિમાં અને કયા સ્થળે તૈયાર કરવામાં આવે છે એની પારદર્શક માહિતી ઉપલબ્ધ કરાવવાનો છે. હોટેલ–રેસ્ટોરાંના રસોડાની કામગીરી સ્પષ્ટપણે દેખાય એ રીતે CCTV કૅમેરા લગાડવામાં આવે તથા એનો યોગ્ય અમલ થાય એ માટે હોટેલો અને રેસ્ટોરાંના સંચાલકોને પત્ર લખવામાં આવ્યો છે.’
કમલેશ પટેલે કહ્યું હતું કે ‘શહેરના ફરસાણવાળા અને મીઠાઈવાળાએ તેમની દુકાન પર ટેસ્ટિંગ કિટ રાખવાની રહેશે જેનાથી માવામાં મિક્સિંગ છે કે ચાંદીનો વરખ કાજુકતરી પર નકલી છે કે અસલી એનું ટેસ્ટિંગ ત્યાં જ થઈ શકે અને કસ્ટમર પોતે જ કરી શકે કે આ નકલી છે કે કેમ. કિટ દુકાનવાળાએ વસાવવી પડશે. કસ્ટમરને ઇચ્છા થાય તો જાતે ચેક કરી શકશે. આ માટે શહેરની તમામ મીઠાઈ તથા ફરસાણની દુકાનોના સંચાલકોને મીઠાઈ અને અન્ય ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણી માટે ટેસ્ટિંગ કિટ રાખવા સૂચના આપવામાં આવી છે.’