ગુજરાતમાં હજી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

12 August, 2020 12:21 PM IST  |  Ahmedabad | Agencies

ગુજરાતમાં હજી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

પ્રતીકાત્મક તસવીર

બંગાળની ખાડીમાં ૧૦ ઑગસ્ટથી લો-પ્રેશર સક્રિય થવાની શક્યતા છે તેમ જ રાજસ્થાનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલા સાઇક્લોનિક સરક્યુલેશનને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાંથી લઈને હળવો વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે ૧૨ અને ૧૩ ઑગસ્ટના રોજ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં ૫૭ ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫૮ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ તાપીના ડોલવણમાં ૫.૧૫ ઇંચ વરસાદ, દાંતામાં ૨.૫ ઇંચ, ડેડિયાપાડામાં ૨.૫ ઇંચ, દાંતિવાડામાં સવા ૨ ઇંચ, મહુવામાં ૨.૧૫ ઇંચ, સરસ્વતીમાં ૨.૧૫ ઇંચ, સિદ્ધપુરમાં ૨.૧૫ ઇંચ, પોશીનામાં ૨ ઇંચ, વાલોડમાં ૨ ઇંચ, વાંસદામાં પોણા ૨ ઇંચ, માણસામાં પોણા ૨ ઇંચ, વઘઇમાં ૧.૫ ઇંચ, હિંમતનગરમાં ૧.૫ ઇંચ, આહવામાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયું છે. રાજ્ય ઉપર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. લો પ્રેસરની મદદથી ગુજરાતને સારો વરસાદ મળશે તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે. આગામી ૧૨ ઑગસ્ટ દક્ષિણ ગુજરાતમાં અને ૧૩ ઑગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યાં જ ૧૨ ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

gujarat ahmedabad gandhinagar Gujarat Rains