વાતાવરણ પલટાયું, આજે સુરત અને વડોદરામાં વરસાદની શક્યતા

29 February, 2020 07:45 AM IST  |  Ahmedabad

વાતાવરણ પલટાયું, આજે સુરત અને વડોદરામાં વરસાદની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

શિયાળો વિદાય લઇ રહ્યો છે તેવા સમયમાં ગઇકાલે બપોરે અફઘાનિસ્તાનની અસર અમદાવાદમાં વર્તાઇ હતી અને અચાનક જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. એટલુ જ નહી પરંતુ અફઘાનિસ્તાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી.એટલુ જ નહી પરંતુ હવામાન વિભાગે શનિવારે સુરત, વડોદરામાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે ત્યારે બદલાયેલા વાતાવરણ વચ્ચે જાણે કે શિયાળા પછી ડાયરેક્ટ ચોમાસું બેઠું હોય તેવો આભાસ ઉભો થયો હતો.

ગુજરાતના હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અરબી સમુદ્ર પરથી પવનો ઉઠ્યાં છે અને અફઘાનિસ્તાન પર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાતા તેની અસર ગુજરાત પર થઇ છે અને વાદળછાયું વાતાવરણ ઊભું થયું છે. આવતીકાલે શનિવારે કદાચ સુરત, વડોદરા વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે.’

ગઇકાલે બપોર બાદ અમદાવાદ ઉપરાંત અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ ઊભું થયું હતું. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા નાગરિકો અચરજમાં મુકાઇ ગયા હતા. એટલું જ નહી પરંતુ જો કદાચ કાલે હળવો વરસાદ પડે તો ખેતરોમાં પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.

ahmedabad gujarat Gujarat Rains surat vadodara