અમદાવાદઃ Know your Amdavad સાથે જાણો શહેરનો ઈતિહાસ

16 May, 2019 12:14 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ Know your Amdavad સાથે જાણો શહેરનો ઈતિહાસ

અમદાવાદ શહેર ઐતિહાસિક છે. આ શહેર પોતાના ખૂણે ખૂણે જાતભાતનો ઈતિહાસ ધરબીને પડ્યું છે. 12 દરવાજાથી લઈને જીવતી જાગતી પોળ હોય કે પછી માણેકચોકનું નાસ્તા બજાર અથવા તો ઢાલગરવાડનું કાપડ બજાર. આ શહેરમાં ફરતા ફરતા ક્યારે શું મળી જાય એ કહેવાય નહીં. અને અમદાવાદીઓને આનો જ ગર્વ છે. એટલે જ કદાચ યુનેસ્કોએ અમદાવાદને ભારતનું પહેલું હેરિટેજ સિટી જાહેર કર્યું છે.

પણ હવે આ હેરિટેજ સિટીની હેરિટેજની વાતો આગળની પેઢી ભૂલતી જાય છે. જો તમને કદાચ કોઈ પૂછે કે માણેકબુરજ ક્યાં આવ્યો તો તમારે 2 મિનિટ વિચારવું પડશે. પણ જો આવું ના કરવું હોય તો પહોંચી જાવ Know Your Amdavad ગ્રુપ પાસે. જી હાં, આ ગ્રુપ અમદાવાદનો ઈતિહાસ લોકો સુધી પહોંચાડે છે. પાર્થ શર્મા નામના અમદાવાદીએ ઈનિશિયેટીવ લઈને આ પ્રવૃત્તિ શરૂ કરી છે. પોતાના અમદાવાદ પ્રત્યેના પ્રેમને કારણે પાર્થ શર્મા હેવે અમદાવાદીઓ અને બહારથી આવતા પ્રવાસીઓને આ શહેરના ઈતિહાસથી માહિતગાર કરાવી રહ્યા છે.

રવિવારે જ આ ગ્રુપ દ્વારા પહેલી હેરિટેજ વૉક યોજાઈ ગઈ. 'માણેકથી માણેક'ની થીમ પર આધારિત આ વૉકમાં 11 લોકોએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદીઓએ પણ ન જોઈ હોય તેવી સિદ્ધિક કોટવાલની દરગાહ, અહમદશાહની રોયલ મસ્જિદ, ભદ્રના કિલ્લાનો ઇતિહાસન, સર ચીનુભાઈ બેરોનેટ અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી. આ ન જાણેલી વાતોને વાર્તાના ફોર્મમાં રજુ કરવામાં આવી હતી જેથી અમદાવાદીઓ અમદાવાદને વધુ સારી રીતે ઓળખી શકે અને જાણી શકે. આ વૉકની શરૂઆત માણેક બુરજથી થઇ હતી જ્યાં અમદાવાદની પહેલી ઈંટ મૂકવામાં આવી હતી અને માણેક ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ મળો અમદાવાદના 'મંકી મેન'ને, જે સેંકડો વાનરોને પહોંચાડે છે ભોજન

પાર્થ શર્મા કહે છે કે,'આ વૉક શરૂ કરવા માટે મને ખૂબ જ ઉત્સાહ હતો. હું છેલ્લા ઘણાં સમયથી અમદાવાદ પરના ઇતિહાસ અને વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તેનો અભ્યાસ કરતો હતો. અને કોઈ પણ જાતની સ્વાર્થની આશા વગર અમદાવાદની વાત લોકો સુધી પહોંચે માત્ર તેના માટે આ વોકનું આયોજન કરાયું છે.' જો તમને લાગે છે કે તમે ચૂકી ગયા તો આ રવિવારે પહોંચી જાવા Know Your Amdavad ગ્રુપ પાસે.

ahmedabad gujarat news