હવે ‘કેમ છો ટ્રમ્પ’ નહીં, ‘નમસ્તે પ્રેસિડન્ટ ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે

17 February, 2020 12:04 PM IST  |  Ahmedabad

હવે ‘કેમ છો ટ્રમ્પ’ નહીં, ‘નમસ્તે પ્રેસિડન્ટ ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે

કેમ છો નહીં, નમસ્તે : અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલાં પોસ્ટર.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના સ્વાગત માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમ છો ટ્રમ્પ શબ્દ સાથે ટ્રમ્પનું સ્વાગત કરવાનો પ્લાન હતો, જોકે હવે ‘નમસ્તે પ્રેસિડેન્ટ ટ્રમ્પ’ પ્રયોગ સાથે તેમનું સ્વાગત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરીને આ ભવ્ય કાર્યક્રમ રાજ્ય પૂરતો સીમિત ન રહે અને એને નૅશનલ કવરેજ મળી રહે.

ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મૂકીમે જણાવ્યું કે ‘ભારત સરકાર દ્વારા અમને ‘નમસ્તે પ્રેસિડેન્ટ ટ્રમ્પ’ થીમ અંગે સૂચન કર્યું છે અને આ કાર્યક્રમ દરમિયાનના તમામ કમ્પેઇન માટે પણ માર્ગદર્શન કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવશે.’ સૂત્રોએ જણાવ્યું કે ‘કેમ છો ટ્રમ્પ’ના પ્રયોગથી આ રાજ્યકક્ષાનો કાર્યક્રમ બની જતો લાગતો હતો, પરંતુ એને દેશમાં પણ લોકો જાણે એવો પ્લાન બનાવવામાં આવી રહ્યો છે.

આ કારણે જ રાજ્ય સરકાર દ્વારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની પહેલી ભારત મુલાકાત અને અમદાવાદમાં સ્વાગત માટેના કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાનારા કમ્યુનિકેશન મટીરિયલ્સમાં પરંપરાગત ‘નમસ્તે’ શબ્દનો પ્રયોગ કરવામાં આવશે.

અમદાવાદમાં ડોનલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, ભારતમાં પહેલીવાર આવી રહેલા ટ્રમ્પ માટે ગુજરાતી શબ્દ સાથે સ્વાગત કરવું યોગ્ય નથી લાગતું. જ્યારે ‘નમસ્તે’ શબ્દ આખી દુનિયામાં પ્રચલિત છે કે ભારતીયો સ્વાગત માટે એનો પ્રયોગ કરે છે.

નાયબ મુખ્ય પ્રધાન અને સરકારી પ્રવક્તા નીતિન પટેલે જણાવ્યું કે, ટ્રમ્પની મુલાકાતની થીમ નૅશનલ હશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવા પોસ્ટરો પણ જાહેર કરવામાં આવ્યા છે.

gujarat ahmedabad donald trump narendra modi