અમદાવાદઃ અજાણી વાવની અજાણી વાતો (ભાગ - 1 )

18 January, 2019 08:59 AM IST  |  અમદાવાદ | ભાવિન રાવલ

અમદાવાદઃ અજાણી વાવની અજાણી વાતો (ભાગ - 1 )

અસારવામાં આવેલી દાદા હરિની વાવ


એક, બે, ત્રણ, ચાર, કે પાંચ નહીં, પૂરેપૂરી 20. જી હાં, અમદાવાદમાં પૂરી 20 વાવ આવેલી છે. જાણીને જોર કા ઝટકા ધીરે સે લગા ના ! અમદાવાદ જેવા મેગાસિટીમાં 20 વાવ છે, જે કદાચ સાબરમતી આશ્રમની જેમ ઘણા અમદાવાદીઓએ નહીં જોઈ હોય. જો કે વાંક તમારા એકલાનો નથી. અમદાવાદ હેરિટેજ સિટી બની ચૂક્યુ છે. વારસો સચવાઈ પણ રહ્યો છે, લોકોના આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો છે. અમદાવાદની વાવ પણ આપણો એવો જ એક વારસો છે, જે કદાચ વણખેડાયેલો છે. તો ચાલો જાણીએ અમદાવાદ કેટલીક વાવ વિશે. શું ખબર કદાચ એકાદી વાવ તમારા ઘરની આસપાસ પણ હોય ?

એક વાવ, જેનો દરવાજો નીકળે છે પાટણમાં

આ વાવ આવેલી છે ભગવાન જગન્નાથના મોસાળ એવા સરસપુરમાં. સરસપુરમાં ફૂલચંદની ચાલી પાસે જઈને કોઈને પૂછો કે બળિયા દેવનું મંદિર ક્યાં. તો નાનકડો છોકરો પણ તમને એક ભોંયરામાં લઈ જશે. બસ આ ભોંયરુ એટલે ગાંધર્વ વાવ. જો કે અત્યારે ભોંયરામાં પરિવર્તિત થઈ ચૂકેલી વાવના પગથિયા ઉતરશો ત્યાં જ તમને ખ્યાલ આવશે કે આ ભોંયરુ સામાન્ય ભોંયરુ નથી. કહેવાય છે કે આ વાવનો એક દરવાજો છેક પાટણમાં નીકળે છે. જો કે આ માન્યતા કેટલી સાચી તે એક સવાલ છે. કારણ કે આજે તો આ વાવનો કૂવો પૂરી દેવાયો છે, અને વાવના બધા જ દરવાજા પણ બંધ કરી દેવાયા છે. માત્ર બળિયા દેવની મૂર્તિ સુધી જવાના પગથિયાવાળો રસ્તો જ ખુલ્લો છે.

દાવો છે કે આ વાવનો એક છેડો પાટણમાં નીકળે છે!

દાદા હરિની વાવ

અસારવામાં આવેલી આ વાવનું નામ ભલે દાદા હરિની વાવ રહ્યું પરંતુ ખરેખર તે બંધાવી છે એક મહિલાએ. કહેવાય છે કે મહંમદ બેગડાના સમયમાં તેના અંતઃપુરમાં સંબંધ ધરાવતી કોઈ બાઈ હરિ નામની મહિલાએ આ વાવ બંધાવી હતી. તે સમયે ચાલતા મહંમદી નામામાં આ વાવ બનાવવા 3,29,000નો ખર્ચ થયો હતો.

દાદા હરિની વાવનો કૂવો

 

વાવની પાછળની તરફ જ બાઈ હરિની મસ્જિદ અને રોજો આવેલો છે. દાદા હરિની વાવ કદાચ અમદાવાદ શહેરમાં આવેલી એક માત્ર વાવ છે જે વારસો સાચવી રહી છે. યોગ્ય જાળવણી થવાને કારણે આ વાવ આજે ખૂબ સુંદર સ્થિતિમાં છે. વાવમાં હજી પણ ક્યારેક પાણી નીકળી આવે છે. જેનો અહેસાસ તમે વાવના કૂવા સુધી પહોંચો તો ત્યાંની અદભૂત ઠંડક જ કરાવી દે. વાવની અંદરનું કોતરણીકામ પણ સુંદર છે, તો આ વાવમાં ફારસી અને સંસ્કૃત ભાષામાં બે અભિલેખ પણ છે, જે સાબિતી છે કે હેરિટેજ સિટીમાં વારસો સચવાયો તો છે.

સુંદર કોતરણીકામ છે આ વાવની ખાસિયત

અમૃત વર્ષિણી વાવ

અમદાવાદના ભરચક અને ધમધમતા પાંચ કૂવા વિસ્તારમાં ગયા છો ? ત્યાં વાવ જોઈ છે ? નથી જોઈને. પ્લાસ્ટિક માટે પ્રખ્યાત અમદાવાદના પાંચ કૂવામાં આવેલી વાવ એટલે અમૃત વર્ષિણીની વાવ. વાવની આસપાસ દુકાનો અને ફેરિયાઓ જ એટલા છે કે કોઈને ખબર હોય કે અહીં વાવ છે, તો પણ મળે નહીં. આ વાવ વિક્રમ સંવત 1779માં મોગલ સમયના સૂબેદાર રઘુનાથ દાસે બંધાવી હોવાની માન્યતા છે. આ વાવની ખાસિયત એ છે કે તે કાટખૂણે વળે છે. સામાન્ય રીતે વાવ સીધી જ હોય છે, પરંતુ અમૃત વર્ષિણી વાવમાં કૂવો કાટખૂણે બનાવાયો છે. આ વાવ થોડી ઘણી સારી હાલતમાં છે, પરંતુ તેનો કૂવો કચરા પેટી બની ચૂક્યો છે. ક્યારેક પાંચકૂવા જાવ તો જરા શોધવાની કોશિશ જરૂર કરજો.

માતા ભવાનીની વાવ

નામ સાંભળીને મંદિર જેવું લાગે છે ને. તો તમે સાવ ખોટા નથી. આ વાવ ખરેખર તો હવે વાવ ઓછીને મંદિર વધારે છે. અસારવા વિસ્તારમાં જ આવેલી આ વાવ આજે સંપૂર્ણ રૂપે મંદિરમાં પરિવર્તિત થઈ ચૂકી છે. વાવનો ઉપયોગ તો હવે થતો નથી તો લોકોએ માતાજીને બિરાજમાન કરીને તેને મંદિર બનાવી નાખી છે. વાવની અંદર માતા ભવાનીની મૂર્તિ હોવાને કારણે જ વાવ આ નામે ઓળખાય છે. વાવની અંદર જાવ તો વાવ છે કે મંદિર તે વિચાર આવે. કારણ કે વાવનો કૂવો પૂરીને તેના પર માતાજીની મૂર્તિ છે, તો ચારે તરફ લાલ ચૂંટડી અને નારિયેળ ટીંગાઈ રહેલા નજરે પડે. ઉપરાંત ઉપરની તરફ ધાબુ ભરીને ઘર બનાવી દેવાયા છે. વારસો અહીં મૃતઃપ્રાય અવસ્થામાં છે.

મંદિર બની ચૂક્યો છે વારસો

 

20 જેટલી વાવમાંથી હાલ માત્ર દાદા હરિની વાવ જ સારી હાલતમાં છે, બાકી મોટા ભાગની વાવની હાલત ઉપર કહ્યા જેવી જ છે. હેરિટેજ સિટીના આ અજાણ્યા વારસાને સાચવવો જરૂરી છે. વારસાને લઈ લોકોને જાગૃત કરતી NGO હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી કપિલ ઠાકરનું કહેવું છે કે વાવ જેવો વારસો કદાચ વિશ્વના કોઈ દેશ પાસે નથી, તેને જાળવવાની જરૂર છે. અમદાવાદમાં ફક્ત પોળને જ હેરિટેજ માની લેવાઈ છે, પરંતુ વાવ જો જળવાય અને લોકો તેની મુલાકાત લેતા થાય તો તે પણ અમદાવાદની ઓળખ બની શકે તેમ છે. આ ઉપરાંત વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સમજવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે.

આ પણ વાંચોઃ ગરબા કેપિટલ વડોદરાઃ જ્યાં હજુ પણ સચવાઈ છે પરંપરા

એટલે કે વાવ એક પણ ઉપયોગ અનેક છે, એ પણ તમારી નજીકમાં જ. આ તો થઈ માત્ર ચાર વાવની વાત, બાકીની વાવ ક્યાં છે, કેવી હાલતમાં છે, તેની પણ વાત કરીશું. લેકિન, કિન્તુ, પરંતુ, બંધુ..થોડી રાહ જોઈલો બીજા ભાગની...ત્યાં સુધી વાંચતા રહો મિડ-ડે ગુજરાતી.

ahmedabad gujarat news