અમદાવાદ: ટીચરે 70 ફુટ ઊંડા કૂવામાં પડેલા મોરને બચાવ્યો

22 January, 2020 12:17 PM IST  |  Ahmedabad

અમદાવાદ: ટીચરે 70 ફુટ ઊંડા કૂવામાં પડેલા મોરને બચાવ્યો

પ્રતીકાત્મક તસવીર

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામની સીમમાં આવેલા અંદાજે ૭૦ ફુટ ઊંડા અવાવરુ કૂવામાં આકસ્મિક રીતે પડી ગયેલા રાષ્ટ્રીય પક્ષી મોરને વનવિભાગ અને ગ્રામજનોની મદદથી પ્રાથમિક શિક્ષક વિક્રમસિંહ પરમારે કૂવામાં ઊતરીને રેસ્ક્યુ કરી લેતાં વનવિભાગના કર્મચારીઓ અને ગ્રામજનોને હાશકારો થયો હતો.

શનિવારે બનેલી આ ઘટનામાં હલદરવાસ ગામની સીમમાં એક મોર અચાનક કૂવામાં પડી ગયો હોવાની જાણ ગામના બાળકોને ખબર પડી હતી. મોર કૂવામાં પડી ગયો હોવાની વાત ગામમાં ફેલાતાં કૂવા પાસે ગ્રામજનો એકઠા થયા હતા. મોટા અજબપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિક્રમસિંહ પરમાર પણ ઘટનાસ્થળે આવ્યા હતા. તે ખાટલો ઊંધો કરીને દોરડું બાંધીને એમાં બેસી ગયા હતા. વનવિભાગના કર્મચારીઓ અને ગ્રામજનોએ દોરડાથી ખાટલો બાંધીને આ ખાટલો ધીરે-ધીરે કૂવામાં ઉતાર્યો હતો. જ્યારે મોર કૂવામાંથી બહાર આવ્યો ત્યારે ગ્રામજનો, બાળકો અને વન વિભાગના કર્મચારીઓને હાશકારો થયો હતો અને સૌ આનંદિત થઈ ગયા હતા.

વિક્રમસિંહ પરમારે ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘દોરડાથી ખાટલો બાંધીને ખાટલો ઊંધો કરીને કૂવામાં ઊતરવાનું સાહસ મેં કર્યું હતું. કૂવામાં ઊતરીને મોરને હળવેથી પકડીને ખાટલામાં બેસાડીને ખાટલો ઉપર ખેંચાવી લીધો હતો. કૂવાની બહાર નીકળીને મોરને ખુલ્લામાં છોડી દીધો હતો. વન વિભાગ અને ગ્રામજનોની મદદથી આ મોરને બહાર કાઢ્યો હતો.’

gujarat ahmedabad