સુપ્રીમ કોર્ટે સરદારપુરા રમખાણ મામલે 17 દોષિતોને આપ્યા શરતી જામીન

29 January, 2020 02:21 PM IST  |  Ahmedabad

સુપ્રીમ કોર્ટે સરદારપુરા રમખાણ મામલે 17 દોષિતોને આપ્યા શરતી જામીન

સુપ્રીમ કોર્ટ

ગુજરાતમાં ૨૦૦૨ના રમખાણ સંલગ્ન એક કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિતોના જામીન મંજૂર કર્યા છે. ૨૦૦૨નાં ગુજરાત રમખાણો વખતે સરદારપુરામાં ફાટી નીકળેલાં તોફાનના કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટે ૧૭ દોષિતોના જામીન મંજૂર કર્યાં હતાં. સરદારપુરામાં ટોળા દ્વારા કરાયેલા તોફાનમાં ૩૩ મુસ્લિમોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. સર્વોચ્ચ ન્યાયાલયે ૧૭ દોષિતોને જામીન પર છોડતાં તેમને મધ્ય પ્રદેશમાં સ્થળાંતરિત થવા અને સમાજસેવા કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેની અધ્યક્ષતા હેઠળની બેન્ચ, જેમાં જસ્ટિસ બી. આર. ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થાય છે તેમણે દોષિતોને બે ભાગમાં વિભાજિત કરતા એક જૂથને ગુજરાત બહાર મધ્ય પ્રદેશના ઇન્દોરમાં સ્થાયી જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના ઑર્ડર મુજબ તમામ દોષિતોએ સપ્તાહમાં દરરોજ છ કલાક સમાજસેવા ફરજિયાત કરવી પડશે. આ ઉપરાંત જામીનની શરતમાં સપ્તાહમાં તેમણે એક વખત સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં હાજર પણ રહેવું પડશે.

આ પણ વાંચો : હેલ્મેટ ફરજિયાત કે મરજિયાત?: સીએમ અને મંત્રી ફળદુએ મૌન સેવ્યું

સર્વોચ્ચ ન્યાયાલયે ઇન્દોર અને જબલપુરસ્થિત જિલ્લા કાનૂની સેવા અધિકારીને આદેશ આપ્યો છે કે જામીનની શરતોનું બરાબર પાલન થાય છે કે નહીં એની તકેદારી લેવામાં આવે. આ ઉપરાંત દોષિતોને યોગ્ય રોજગાર શોધવામાં મદદ કરવાનું પણ કોર્ટે જણાવ્યું છે. રાજ્ય કાનૂની સેવા અધિકારીને ત્રણ માસમાં તમામ દોષિતોનો સ્ટેટસ રિપોર્ટ સોંપવાનો રહેશે. અગાઉ ગુજરાત હાઈ કોર્ટે સરદારપુરા હત્યાકાંડમાં ૧૪ને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યારે ૧૭ને દોષિત જાહેર કરતો ચુકાદો આપ્યો હતો.

gujarat ahmedabad supreme court