ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 1515 કેસ નોંધાયા

22 November, 2020 10:05 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 1515 કેસ નોંધાયા

કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદમાં કરફ્યુ જાહેર થતાં ગઈ કાલે માણેકચોક બજાર સૂમસામ ભાસતું હતું.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગઈ કાલે ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ રેકૉર્ડ બ્રેક ૧૫૧૫ કેસ નોંધાયા હતા. બીજી તરફ કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદની સ્થિતિ નાજુક બની રહી છે અને સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે સત્તાવાળાઓએ કરમસદ અને આણંદની હૉસ્પિટલોમાં અમદાવાદના કોરોનાગ્રસ્ત દરદીઓ માટે વધારાના ૧૦૦થી વધુ બૅડની વ્યવસ્થા કરી છે.

ગઈ કાલે જાણે કે ગુજરાતમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં સૌથી વધુ ૧૫૧૫ કેસ નોંધાયા હતા. તેમ જ ૯ દરદીનાં મૃત્યુ થયાં હતાં. ગુજરાતમાં તા. ૧૬ નવેમ્બરે કોરોનાના ૯૨૬ કેસ હતા અને તેમાં સતત વધારો થતો ગયો છે અને ગઈ કાલે ૧૫૧૫ કેસ નોંધાયા છે.

બીજી તરફ અમદાવાદમાં પણ સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને ગઈ કાલે અમદાવાદમાં કોરોનાના ૩૫૪ કેસ નોંધાયા હતા અને ૫ દરદીનાં મૃત્યુ થયાં હતાં. છેલ્લા છ દિવસમાં અમદાવાદમાં કોરોનાના કુલ ૧૫૨૪ કેસ નોંધાયા છે અને ૨૧ દરદીઓનાં મૃત્યુ થયાં છે. શહેરમાં કોરોનાના કેસ સતત વધતા અમદાવાદના શહેરીજનો સજાગ થઈ ગયા છે અને કોરોનાનું સંક્રમણ અટકાવવા ઘરની બહાર નીકળ્યા નહોતા. અમદાવાદ પોલીસે પણ કરફ્યુનો કડક અલમ કરાવ્યો હતો.

અમદાવાદમાં કરફ્યુથી રસ્તા સૂમસામ

દિવાળી બાદ કોરોના કેસમાં અસંખ્ય વધારાને કારણે અમદાવાદમાં બે દિવસ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં ૫૭ કલાકના કરફ્યુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગઈ કાલે કરફ્યુને કારણે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા છે. બરોડા એક્સપ્રેસ વે પર એકલ-દોકલ વાહનની અસર જોવા મળી રહી છે. એ સિવાય શહેરમાં પ્રવેશતાં વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણ વધતાં અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરતમાં પણ કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં કરફ્યુથી રસ્તાઓ સૂમસામ બન્યા છે.

ઉલ્લેખનીય છે કે દિવાળી બાદ દિવસે-દિવસે રેકૉર્ડ તોડ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં હાલમાં ૧૩,૦૦૦ ઍક્ટિવ કેસ છે.

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ અમદાવાદમાં છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શુક્રવાર રાતે ૯થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુનો રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે અમદાવાદમાં ૨૦ નવેમ્બર રાત્રે ૯ વાગ્યાથી સોમવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ રહેશે.

ગુજરાતનાં શહેરોમાં કરફ્યુ છે પણ માંડવીમાં બીજેપીના ધારાસભ્યોની રૅલી

એક તરફ કોરોનાનો કેર વધી રહ્યો છે જ્યારે બીજેપીના એમએલએ દ્વારા સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. માંડવીના કરંજ ગામની સ્કૂલમાં સમારોહ યોજવામાં આવ્યો જેમાં ધારાસભ્ય આત્મારામ પરમાર, ગણપત વસાવા પહોંચ્યા હતા. આ રૅલી ખુલ્લી જીપમાં ડીજેના તાલે યોજવામાં આવી હતી, જેમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઊડ્યા હતા. એ સિવાય સ્વાગત સમારોહમાં બીજેપીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઢડા બેઠક પરથી જીતેલા આત્મારામ પરમારનો વતનમાં સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં માંડવીના કરંજ ગામે આવેલી સ્કૂલ પાસેથી ખુલ્લી જીપમાં બેસી આત્મારામ પરમાર અને કૅબિનેટ પ્રધાન ગણપત વસાવાની રૅલી કાઢવામાં આવી હતી, જેમાં બીજેપીના કાર્યકરો સામેલ થયા હતા, જેમણે ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું, ડીજે સાથે રૅલીમાં લિમિટેડ લોકો હતા, પરંતુ સોશ્યલ ડિસ્ટન્સના નામે ઝીરો હતો તેમ જ મોટા ભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

gujarat ahmedabad coronavirus covid19 shailesh nayak