અમદાવાદમાં બર્થ- સર્ટિફિકેટના ઍડ્રેસમાં લખાયું પાકિસ્તાન

09 February, 2020 09:18 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદમાં બર્થ- સર્ટિફિકેટના ઍડ્રેસમાં લખાયું પાકિસ્તાન

પ્રતીકાત્મક તસવીર

તમે ભારતમાં રહેતા હોવ અને તમારા બર્થ સર્ટિફિકેટના એડ્રેસમાં પાકિસ્તાન લખાઈને આવે તો? અમદાવાદના એક બાળકના બર્થ સર્ટિફિકેટમાં સરનામું લખવામાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને છબરડો વાળ્યો છે અને સરનામાંમાં પાકિસ્તાન લખી દીધું છે. આ મુદ્દે આરોગ્ય વિભાગના અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

અમદાવાદમાં પાકિસ્તાન આવ્યું છે! કદાચ આ વાંચીને નવાઈ લાગશે, પણ અમદાવાદની વી. એસ. હૉસ્પિટલમાં ઑક્ટોબર – ૨૦૧૮માં જન્મેલા મોહંમદ ઉજૈરખાન નામના બાળકના જન્મના પ્રમાણપત્રમાં કાયમી સરનામામાં પાકિસ્તાન રેલવે ક્રોસિંગ લખવામાં આવ્યું છે. જન્મના પ્રમાણપત્રમાં કૉર્પોરેશને આવો છબરડો વાળ્યો છે અને બાળકના બર્થ સર્ટિફિકેટના એડ્રેસમાં પાકિસ્તાન રેલવે ક્રોસિંગ લખીને આપેલા પ્રમાણપત્ર પર ધ્યાન જતા આ મામલો બહાર આવ્યો છે. આરોગ્ય વિભાગ અને જન્મ-મરણ વિભાગની ભૂલથી વિવાદ થયો છે. એવા પણ સવાલ ઉઠ્યા છે કે બર્થ સર્ટિફિકેટ પર સહી કરતાં પહેલાં અધિકારીએ વિગતો ચકાસી નહીં હોય?, વિગતો જોયા વગર જ સહી કરી દીધી હશે?

બર્થ સર્ટિફિકેટના એડ્રેસમાં પાકિસ્તાન લખાયાના મુદ્દે વિવાદ ઊઠતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય વિભાગના એડિશનલ મેડિકલ ઑફિસર ઑફ હેલ્થના ડૉ. ભાવિન જોષીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે ઓરિજિનલ સર્ટિ વેરિફાય કર્યા છે. વી. એસ. હૉસ્પિટલના આરએમઓએ સર્ટિ આપ્યું છે અને તે અપલોડ કરી દીધું હતું. આ બાબતે વી. એસ. હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને તપાસ કરીને જણાવવા કહેવામાં આવ્યું છે.

gujarat ahmedabad shailesh nayak