ગુજરાત: અડધા અમદાવાદના જીવમાં જીવ આવ્યો

20 May, 2020 08:51 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાત: અડધા અમદાવાદના જીવમાં જીવ આવ્યો

ફાઈલ તસવીર

કોરોનાની મહામારીમાં આખરે ૫૫ દિવસના લૉકડાઉન બાદ શરતોને આધીન છૂટછાટ મળતાં ગઈ કાલે અડધા અમદાવાદના નાગરિકોના જીવમાં જીવ આવ્યો હતો અને જનજીવન ધબકતું થયું હતું. બજારમાં ચહલપહલ જોવા મળી હતી. જો કે નિયમોનું પાલન કરતાં ગઈ કાલે સાંજે ચાર વાગતા જ દુકાનોના શટર બંધ થયા હતા. બીજી તરફ કોરોના સામે અમદાવાદમાં સજાગતા અને સાવચેતી માટે એસએમએસ શબ્દ નાગરિકોમાં પ્રચલિત બન્યો છે અને જાગૃત નાગરિકો તેનું પાલન કરતા થયા છે.

કોરોનાગ્રસ્ત બનેલા અમદાવાદમાં ગુજરાત સરકાર દ્વારા લૉકડાઉનમાં શરતોને આધીન છૂટછાટ આપવામાં આવી હતી જેના પગલે ગઈ કાલે અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં જનજીવન સામાન્ય બન્યું હતું. જો કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોઇ જ છૂટછાટ નહીં અપાતાં પ્રતિબંધ યથાવત્ રખાતા અમદાવાદ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. છૂટછાટના પગલે પશ્ચિમ અમદાવાદમાં ગઈ કાલે સવારથી જ ધંધા-રોજગારના સ્થળો–દુકાનો, ઑફિસો ખૂલી હતી. જો કે લાંબા ગાળા પછી દુકાનો–ઑફિસો ખૂલતા સૌ કોઈએ સૌથી પહેલાં ધંધા- રોજગારનાં સ્થળોએ સાફસફાઈ કરી હતી. ધંધા-રોજગારના સ્થળોએ પબ્લિકની અવરજવર શરૂ થઈ હતી. જુદી જુદી ચીજવસ્તુઓની દુકાનોની બહાર ગ્રાહકોની લાઈનો પણ જોવા મળી હતી. લૉકડાઉનના પગલે જે રસ્તાઓ સૂમસામ હતા તે વાહનોની ગતિવિધિથી ધમધમી ઊઠ્યા હતા. લૉકડાઉન ખૂલતા જ નાગરિકો ઘણા દિવસો બાદ તેમના ઘરની બહાર નીકળ્યા હતા અને જાણે કે મુક્તિનો શ્વાસ લીધો હતો. અમદાવાદમાં નાગરિકો દ્વારા તેમ જ ધંધા-રોજગારનાં સ્થળોએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રખાયું હતું તેમ જ માસ્ક લગાવીને નાગરિકોએ જાગરૂકતા દર્શાવી હતી. કેમકે આજકાલ અમદાવાદમાં એસએમએસ શબ્દ પ્રચલિત બન્યો છે. ‘એસ’ એટલે સૅનિટાઇઝ, ‘એમ’ એટલે માસ્ક અને ફરી ‘એસ’ એટલે સોશ્યલ ડિસ્ટન્સિંગ. આમ અમદાવાદના નાગરિકો કોરોના સામે જાગૃત બન્યા છે અને એસએમએસનું પાલન કરતા થયા છે.

ખાસ કરીને અમદાવાદમાં પાનના ગલ્લાઓ ઉપર અને હેરકટિંગ સલૂન્સમાં ગ્રાહકોની ચહલપહલ વધુ દેખાઈ હતી. પાનના ગલ્લાઓ પર ક્યાંક કાચા માલની સોર્ટેજના કારણે ગલ્લાવાળાઓ તકલીફમાં મુકાયા હતા. પાનના ગલ્લા ખૂલતાં પાન અને મસાલાઓના શોખીનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.

અમદાવાદ શહેરમાં કોવિડ–૧૯ની સમગ્ર કામગીરીની દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરિંગ માટેના વિશેષ અધિકારી ડૉ. રાજીવકુમાર ગુપ્તાએ કહ્યું હતું કે ‘પૂર્વ અમદાવાદમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં રહેતા અને પશ્ચિમ અમદાવાદમાં ધંધો–રોજગાર કરતી વ્યક્તિઓ પોતાના ધંધા– રોજગાર માટે પશ્ચિમ અમદાવાદમાં જઈ શકશે.’

તેઓએ એમ પણ કહ્યું હતું કે ‘બજાર વિસ્તારોમાં એક બિલ્ડિંગમાં એકથી વધારે દુકાનો આવેલી છે ત્યાં શૉપિંગ કૉમ્પ્લેક્સમાં દુકાનો એકી અને બેકીને ધ્યાનમાં રાખીને એકી સંખ્યાની દુકાનો એકી તારીખે અને બેકી સંખ્યાની દુકાનો બેકી તારીખે ખુલ્લી રહેશે. જે તે બિલ્ડિંગમાં કોઈ પણ દિવસે ૫૦ ટકા દુકાનો ખુલ્લી રાખી શકાશે. છૂટીછવાઈ દુકાનો કે સોસાયટી વિસ્તારોમાં આવેલી દુકાનો કે જેમાં વધારે સંખ્યામાં દુકાનો ન હોય તેવી દુકાનોને એકી–બેકીની પ્રથા લાગુ પડશે નહીં. એટલે કે આવી દુકાનો દૈનિક ધોરણે ખુલ્લી રાખી શકાશે.’

gujarat ahmedabad coronavirus covid19 lockdown