અમદાવાદમાં સિનિયર નેતાઓની ગુપ્ત બેઠકથી કૉંગ્રેસમાં ખળભળાટ

28 December, 2018 07:49 AM IST  |  અમદાવાદ | શૈલેષ નાયક

અમદાવાદમાં સિનિયર નેતાઓની ગુપ્ત બેઠકથી કૉંગ્રેસમાં ખળભળાટ

ગુજરાત કૉંગ્રેસમાં નવા જૂની!

થોડા દિવસ પહેલાં જ ગુજરાતમાં યોજાયેલી જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસનો પરાજય થયા બાદ બુધવારે રાત્રે ગુજરાત કૉંગ્રેસના સિનિયર નેતાઓ અને કેટલાક વિધાનસભ્યોની ગુજરાત કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ અર્જૂન મોઢવાડિયાના નિવાસસ્થાને મળેલી ગુપ્ત બેઠકથી કૉંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. આ બેઠકને કારણે કાર્યકરોમાં નેતૃત્વ સામે નારાજગી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ કોઈ પણ જાતનો આંતરિક મનભેદ કે મતભેદ ન હોવાની સ્પષ્ટતા કરી હતી.

અર્જૂન મોઢવાડિયાના નિવાસસ્થાને અંદાજે ૧૭ જેટલા કૉંગ્રેસના આગેવાનોની બેઠક મળી હતી. એમાં વિધાનસભ્ય શૈલેષ પરમાર, અલ્પેશ ઠાકોર, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ, તુષાર ચૌધરી, ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, આગેવાનો રાજુ પરમાર, સાગર રાયકા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક રાત્રે મળતાં કૉંગ્રેસમાં એવા સંકેત મળ્યા છે અને ચર્ચા ચાલી છે કે ગુજરાતમાં નારાજ નેતાઓમાં નેતૃત્વ સામે અસંતોષ છે અને આંતરિક જૂથબંધી સપાટી પર આવી ગઈ છે.

ગુજરાત કૉંગ્રેસ માટે એક સાંધે ને તેર તૂટે જેવી સ્થિતિ સર્જાતી આવી છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસની હાર બાદ ગુજરાત કૉંગ્રેસના સિનિયર નેતાઓની બેઠકથી પ્રદેશ નેતાગીરીની ઊંઘ ઊડી ગઈ છે. ગુજરાતમાં યુવા નેતાગીરી સામે જાણે કે સિનિયર નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હોય એવી પરિસ્થિતિ વચ્ચે જૂના જોગીઓ હવે બહાર આવ્યા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ સક્રિય થયા છે અને આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

નિરાશ–હતાશ કાર્યકરોને જોડવાના છે : અર્જૂન મોઢવાડિયા

અર્જૂન મોઢવાડિયાએ આ બેઠક વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નારાજગીની વાત નથી. ૨૦૧૯ની ચૂંટણી આવે છે, ૧૦૦ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે બધાએ સાથે મળીને કાર્યકરો નિરાશ–હતાશ છે તેમને જોડવાનું કામ કરવાનું છે. દેશમાં એક વર્ષથી રાહુલજીએ મહેનત કરી છે અને માહોલ બદલાયો છે. ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસ જીતી છે. ૨૦૧૯ પહેલાં કૉંગ્રેસ પક્ષમાં કચાશ હોય એ દૂર કરવાનો પ્રયાસ છે. અમારા કાર્યકર્તાઓની ભાવના છે કે ૨૦૧૯માં કેન્દ્રમાં રાહુલજીની આગેવાનીમાં સરકાર બને ત્યારે ક્યાંક ખામી હોય, નારાજગી હોય એ દૂર કરીએ અને ભારતીય જનતા પાર્ટીને મોટો પડકાર આપીએ. અમે બધાએ સાથે મળી ચિંતન કર્યું હતું.’

કોઈ જાતનો આંતરિક મનભેદ કે મતભેદ નથી : અમિત ચાવડા

કૉંગ્રેસના નેતાઓની મળેલી બેઠક વિશે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ મીડિયાને કહ્યું હતું કે ‘મારી દૃષ્ટિએ કોઈ પણ જાતનું ખોટું નથી. બધા મળી શકે છે, ચર્ચા કરી શકે છે. પક્ષની આંતરિક લોકશાહી મજબૂત છે. કોઈ પણ જાતનો આંતરિક મનભેદ કે મતભેદ નથી. ભોજન પર તેઓ ભેગા થયા એમાં કંઈ ખોટું નથી. અમે આને પૉઝિટિવ લઈએ છીએ. પક્ષની આંતરિક લોકશાહી મજબૂત છે કે બધા ચૂંટણીની ચિંતા કરે છે. આવનારી ચૂંટણીમાં એ ઉપયોગી થશે.’

 

gujarat congress