વાલીઓને ઝટકો : હાઈ કોર્ટે સ્કૂલ-ફી ન લેવાના સરકારના પરિપત્રને રદ કર્યો

01 August, 2020 10:35 AM IST  |  Ahmedabad | Agencies

વાલીઓને ઝટકો : હાઈ કોર્ટે સ્કૂલ-ફી ન લેવાના સરકારના પરિપત્રને રદ કર્યો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત સરકારે થોડા દિવસ પહેલાં જ રાજ્યની ખાનગી સ્કૂલોને ફી માફ કરવાનો આદેશ આપ્યો હતો. સ્કૂલો રાબેતા મુજબ શરૂ ન થાય ત્યાં સુધી ફી વસૂલવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ સંદર્ભે સ્કૂલના સંચાલકોએ ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી સંદર્ભે આજે ગુજરાત હાઈ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે તેમજ ફીના મુદ્દે રાજ્ય સરકારનો પરિપત્ર હાઈ કોર્ટે રદ કરી દીધો છે. પરિપત્રના બાકીના મુદ્દાઓ કોર્ટ યથાવત્ રાખશે. વિગતવાર હુકમ થોડા દિવસોમાં કોર્ટ જારી કરશે.

હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે આ ચુકાદો આપ્યો છે. સ્વનિર્ભર શાળા-સંચાલકો તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર વાસ્તવિક શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી વસૂલવી નહીં એવો ઠરાવ બહાર પાડી શકે નહીં. આ ઠરાવ કાયદાથી વિપરીત છે. કોર્ટે કહ્યું કે વાલીઓની સમસ્યા, શાળાઓના ખર્ચ વચ્ચે સંતુલન જરૂરી છે. રાજ્ય સરકારે કહ્યું કે અમે શાળાના સંચાલકો સાથે સંવાદ કર્યો, પણ શાળાના સંચાલકો કોઈ જાતના નેગોસિયેશન માટે તૈયાર નહોતા. કોર્ટે કહ્યું કે શાળાના સંચાલકો પણ અમારી સામે છે જ તેમનો કેસ લઈને. અમે જરૂરી નિર્દેશ આપીશું. વાટાઘાટો રિઝનેબલ હોવી જોઈએ.

શાળા-સંચાલકોએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી કે અમે રાજ્ય સરકાર સમક્ષ ફરી વાટાઘાટો માટે તૈયાર છીએ. ખુલ્લા મન અને ખુલ્લા હૃદયથી વાટાઘાટો કરીશું.

સુપ્રીમ કોર્ટમાં પડકારાશે નહીં: ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે કે આજરોજ નામદાર હાઈ કોર્ટે રાજ્ય સરકાર, વાલી મંડળ અને સંચાલક મંડળને સાંભળીને વચગાળાનો આદેશ કરતાં જણાવ્યું છે કે શાળાઓ ઑનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રાખે, રાજ્ય સરકારની ઑનલાઇન ભણાવવાની કામગીરીને નામદાર હાઈ કોર્ટે બિરદાવી છે અને વિસ્તૃત ચુકાદો બાકી રાખ્યો છે. હાઈ કાર્ટે એમ પણ જણાવ્યું છે કે શાળામાં ઑનલાઇન શિક્ષણકાર્ય ચાલુ રહેવું જોઈએ. નામદાર હાઈ કોર્ટનો વિસ્તૃત ચુકાદો આવ્યા બાદ એનો અભ્યાસ કરીને નામદાર હાઈ કોર્ટના આદેશનું સરકાર સંપૂર્ણ પાલન કરશે. હાઈ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં નહીં પડકારાય.

gujarat ahmedabad gandhinagar