✕

અમદાવાદમાં ૨૦૦૦ કિલો નકલી ટમૅટો સૉસ પકડાયો

16 October, 2026 06:46 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ટમેટાં વગર બટાટાનો પાઉડર, કૉર્ન ફ્લોર તથા અન્ય સામગ્રીઓ મિક્સ કરીને બનતો હતો

ટમૅટો કેચપ જેવી દેખાતી ખાદ્ય વસ્તુનો ૨૦૦૦ કિલો જથ્થો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે સ્થગિત કર્યો

અમદાવાદમાંથી ટમૅટો વિના બનાવાતી અને ટમૅટો કેચપ જેવી દેખાતી ખાદ્ય વસ્તુનો ૨૦૦૦ કિલો જથ્થો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ફૂડ સેફ્ટી વિભાગે સ્થગિત કર્યો હતો. એટલું જ નહીં, આ એકમને સીલ કરીને કાર્યવાહી હાથ ધરી છે અને સૉસનો નમૂનો તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પિરાણા રોડ વિસ્તારમાં આવેલી અને ટેસ્ટી સ્નૅક ટચપ ખાદ્ય વસ્તુનું ઉત્પાદન કરતા એમ.જે.એફ. ફૂડ એકમમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જણાઈ આવ્યું હતું કે ટેસ્ટી સ્નૅક ટચપ નામની ખાદ્ય વસ્તુ પટેટો ફ્લેક્સ અને કૉર્ન ફ્લોરનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતી હતી. એમાં ખાંડ, મીઠું, કલર, ઍસિટિક ઍસિડ, પ્રિઝર્વેટિવ તથા સ્ટૅબિલાઇઝર ઉમેરવામાં આવતાં હતાં. જોકે આ પ્રક્રિયામાં કોઈ પણ તબક્કે ટમૅટાંનો ઉપયોગ નહીં થતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તપાસમાં નોંધાયેલી વિસંગતતાઓને પગલે એમ.જે.એફ. ફૂડ એકમ સીલ કરવામાં આવ્યું છે તથા તૈયાર ઉત્પાદન, બટાટાનો પાઉડર તથા અન્ય કાચા માલનો આશરે ૨૦૦૦ કિલો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એનું વેચાણ અને વિતરણ અટકાવવામાં આવ્યું છે. 
તૈયાર વસ્તુ દેખાવ અને બનાવટમાં ટમૅટો કેચપને મળતી આવતી હોવાથી ગ્રાહકો એને ટમેટાંમાંથી બનેલી વસ્તુ સમજી શકે છે. ગ્રાહકમાં આવી ગેરસમજ ઊભી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઉત્પાદનની રજૂઆત અને લેબલની વિગતોની ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ ઉત્પાદનનું પાંચ કિલોના પૅકિંગનું ૧૦૦ રૂપિયાના ભાવે વેચાણ થતું હોવાનું તપાસમાં નોંધાયું હતું. 

ahmedabad gujarat news gujarat national news food news