20 June, 2025 09:04 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
ડાંગમાં વરસાદના કારણે ધોધ જીવંત બન્યા હતા.
અમદાવાદમાં બુધવારે રાતે બે વાગ્યાથી મેઘગર્જના અને વીજ-ચમકારા સાથે ધોધમાર પોણાત્રણ ઇંચ વરસાદ ખાબકતાં શહેર પાણી-પાણી થઈ ગયું : દક્ષિણ ગુજરાતમાં મેઘાએ કરી જમાવટ : ડાંગમાં મેઘો મહેરબાન થતાં ધોધ જીવંત બન્યા અને નદીઓમાં પૂર આવ્યાં : વલસાડ જિલ્લામાં એક કારચાલક નદીમાં તણાયો તો અમદાવાદમાં ઘરમાં પાણી ભરાતાં લપસી પડેલી એક વ્યક્તિનું મોત
અમદાવાદમાં બુધવારે મધરાતે મેઘરાજા મુશળધાર વરસતાં શહેર આખું પાણી-પાણી થઈ ગયું હતું. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘાએ જમાવટ કરી હતી. એમાં પણ ડાંગમાં છેલ્લા બે દિવસથી મેઘો મહેરબાન થતાં ધોધ જીવંત બનતાં આહ્લાદક નજારો સર્જાયો હતો. ગઈ કાલે વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ ૬.૮૧ ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં એક કારચાલક નદીમાં તણાયો હતો, જ્યારે અમદાવાદમાં ઘરમાં પાણી ભરાતાં લપસી પડેલી એક વ્યક્તિનું મોત થયું હતું.
અમદાવાદમાં બુધવારે રાતે બે વાગ્યાથી મેઘગર્જના અને વીજ-ચમકારા સાથે ધોધમાર પોણાત્રણ ઇંચ વરસાદ ખાબકતાં શહેર જળબંબાકાર થઈ ગયું હતું. વરસાદી પાણી ગઈ કાલે સવાર સુધી ભરાઈ રહેતાં સ્કૂલ-કૉલેજ જતા સ્ટુડન્ટ્સ તેમ જ નોકરિયાત વર્ગ હેરાન થયો હતો.
અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલા મધુમતી આવાસ યોજનામાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે જીતુભાઈ નામની એક વ્યક્તિ લપસી જતાં પાણીમાં પડી હતી અને તાત્કાલિક કોઈ સારવાર ન મળતાં તેમનું મોત થયું હતું.
દક્ષિણ ગુજરાતમાં મેઘાએ ખરી જમાવટ કરી હતી. ગુજરાતમાં ગઈ કાલે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં પડ્યો હતો જેમાં જિલ્લાના વાપીમાં ૬.૮૧ ઇંચ, પારડીમાં ૫.૦૪ ઇંચ, કરપાડામાં ૪.૫૩ ઇંચ, ધરમપુરમાં ૪.૨૫ ઇંચ અને ઉમરગામ તાલુકામાં ૩.૯ ઇંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં રાત્રે આઠ વાગ્યા સુધીમાં ૯૬ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં ૨૮ તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો.
વલસાડ જિલ્લામાં ઔરંગા અને પાર નદીમાં પાણી આવતાં તંત્ર અલર્ટ થયું હતું. જિલ્લાના જેસિયા વાઘેલધારા ગામને જોડતા પુલ પરથી ખરેરા નદીનાં પાણી વહેતાં થયાં હતાં. બપોરના સમયે પુલ પરથી પાણી વહેતાં હોવા છતાં એક કારચાલક નસીર શેખે દુઃસાહસ કરીને પુલ પરથી કાર હંકારવા જતાં કાર સાથે તે તણાઈ ગયો હતો. તેને શોધવા માટે વહીવટી તંત્રએ કવાયત હાથ ધરી હતી.
ડાંગમાં મેઘો મહેરબાન થતાં અને બે દિવસથી વરસાદ પડતાં નાના-મોટા ધોધ જીવંત બન્યા હતા અને પૂર્ણા, અંબિકા, ખાપરી સહિતની નદીઓમાં પૂર આવ્યાં હતાં. નદીનાં ધસમસતાં પાણી અનેક કૉઝવે પર ફરી વળતાં રસ્તા બંધ કરવા પડ્યા હતા. પહાડી એરિયામાં કેટલીક જગ્યાએ વૃક્ષો ઊખડી જતાં રસ્તો બ્લૉક થયો હતો. જોકે વહીવટી તંત્રએ કામગીરી હાથ ધરીને વૃક્ષોને હટાવીને રસ્તો ફરી શરૂ કરાવ્યો હતો.