લૉકડાઉનમાં રોજેરોજ પંચાવન લાખ લિટર દૂધનું વિતરણ થયું

27 March, 2020 11:13 AM IST  |  Ahmedabad | Agencies

લૉકડાઉનમાં રોજેરોજ પંચાવન લાખ લિટર દૂધનું વિતરણ થયું

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાના ૪૩ પૉઝિટિવ કેસ સામે આવી ગયા છે અને એમાંથી ત્રણનાં તો મૃત્યુ પણ થઈ ગયાં છે. વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાઇરસની સ્થિતિને ધ્યાનમાં લઈ સમગ્ર દેશમાં ૨૧ દિવસનો લૉકડાઉન જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ લૉકડાઉનના દિવસો દરમિયાન સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઈ પણ જાતની મુશ્કેલી વિના મળી રહે એ માટે રાજ્ય સરકારે સુદૃઢ આયોજન હાથ ધર્યું છે. અશ્વિનીકુમારે શાકભાજી અને ફ્રૂટની આવકની વિગતો આપતાં કહ્યું કે ગુરુવારે સવારે રાજ્યની શાકભાજી મંડળીઓ-માર્કેટમાં ૫૯ હજાર ક્વિન્ટલ શાકભાજી અને ૨૬૮૦ ક્વિન્ટલ ફ્રૂટની આવક થઈ છે. તેમ જ રાજ્યમાં દૈનિક ૫૫ લાખ લિટર દૂધના પાઉચનું વિતરણ થઈ રહ્યું છે. 

અશ્વિની કુમારે આગળ કહ્યું કે ૫૯ હજાર ક્વિન્ટલ શાકભાજીમાં ૧૩,૬૫૫ ક્વિન્ટલ બટાટા, ૪,૩૫૦ ક્વિન્ટલ ડુંગળી, ૬૯૦૦ ક્વિન્ટલ ટમેટા અને ૩૪,૦૦૦ ક્વિન્ટલ લીલી શાકભાજી રાજ્યના નાગરિકોના વપરાશ માટે ઉપલબ્ધ થયેલાં છે. સમગ્ર રાજ્યમાં ૬૮ જેટલી શાકભાજી માર્કેટ કાર્યરત છે તેમ જ ચૈત્રી નવરાત્રિના આ પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત રાખનારા લોકોને અગવડ ન પડે એ માટે પૂરતાં ફળફળાદિ પણ બજારમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં ૬૧૦ ક્વિન્ટલ કેળાં, ૯૭૦ ક્વિન્ટલ સફરજન અને ૧૧૦૦ ક્વિન્ટલ અન્ય ફળફળાદિ સહિત ૨૬૮૦ ક્વિન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે.

gujarat ahmedabad coronavirus covid19