અમદાવાદ : નીતિન પટેલ પર ફેંકાયું ચંપલ

27 October, 2020 11:23 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદ : નીતિન પટેલ પર ફેંકાયું ચંપલ

ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પર ગઈ કાલે ચંપલ ફેંકાયું હતું જે ટીવી-ચૅનલના બૂમ સાથે અથડાયું હતું.

ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે એના પ્રચાર દરમ્યાન ગઈ કાલે કરજણ બેઠકની પેટાચૂંટણીના પ્રચાર માટે કરોલી ગયેલા ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પર ચંપલ ફેંકાયું હતું. જોકે એ ચંપલ નીતિન પટેલને વાગ્યું નહોતું, પરંતુ આ ગંભીર ઘટનાના પગલે બીજેપીના આગેવાનો અને કાર્યકરોમાં રોષ પ્રસરી ગયો છે. આ નિંદનીય ઘટનાને લઈને પોલીસે ચંપલ ફેંકનારની શોધખોળ આદરી છે.

કરજણ બેઠકની પેટાચૂંટણીના પ્રચાર માટે ગઈ કાલે જાહેર સભાને સંબોધવા નીતિન પટેલ કરોલી ગયા હતા. સભા પત્યા બાદ તેઓ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે કોઈક શખસે તેમના પર ચંપલ ફેંક્યું હતું. જોકે ચંપલ ટીવી-ચૅનલના બૂમને અથડાઈને નીચે પડ્યું હતું જેથી એ નીતિન પટેલને વાગ્યુ નહોતું. પોતાના પર ચંપલ ફેંકાયું હોવાનું નીતિન પટેલે જોયુ હોવા છતાં એ વખતે સ્વસ્થતા કેળવીને મીડિયા સાથે તેઓએ નર્મદાના મુદ્દે અને ખેડૂતોના મુદ્દે તેમની વાત ચાલુ રાખી હતી અને જરાય વિચલિત થયા નહોતા.

gujarat ahmedabad shailesh nayak Nitin Patel