આખરે બલરામ થાવાણીએ માગી માફી, વાંચો શું હતો મામલો

03 June, 2019 12:21 PM IST  |  અમદાવાદ

આખરે બલરામ થાવાણીએ માગી માફી, વાંચો શું હતો મામલો

ધારાસભ્ય બલરામ થાવાણી (Image Courtesy : Facebook)

જાહેરમાં મહિલાને માર મારવા મામલે ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ આખરે માફી માગી છે. મહિલાની માફી માગવાનો ઈનકાર કરી ચૂકેલા ધારાસભ્ય બલરામ થાવાણીએ યુ ટર્ન લઈને માફી માગી લીધી છે. ધારાસભ્ય બલરામ થાવાણીએ પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું,'મારાથી જોશમાં ભૂલ થઇ ગઇ છે. હું બહેનની માફી માંગુ છું. તેમણે કહ્યું કે મારી પાર્ટી અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સાથે વાત થઇ છે'

આપ્યું વિચિત્ર કારણ

જો કે માફી માગવા દરમિયાન બલરામ થાવાણીએ સ્પષ્ટતા કરી છે, પરંતુ આ સ્પષ્ટતા ચોંકાવનારી છે. બલરામ થાવાણીએ કહ્યું કે,'મારાથી ભૂલથી મહિલાને લાત વાગી ગઈ હતી. હું એ બહેનની માફી માગુ છું. મને ખબર જ ન પડી તે મહિલા છે કે પુરુષ. આખી ઘટના સ્વબચાવમાં બની હતી. મારી ઓફિસમાં પહેલા લોકોએ મારા પર હાથ ઉપાડ્યો, મારો કોલર પકડ્યો. જે બાાદ હું બહાર આવી ગયો હતો.'

માફી માગવા પાડી હતી ના

ઉલ્લેખનીય છે કે આ પહેલા ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાની માફી માગવાનો ઈનકાર કરી મહિલા NCPની કાર્યકર્તા હોવાનો દાવો કર્યો હતો. થોડા કલાકો પહેલા જ ધારાસભ્ય થાવાણીએ કહ્યું હતું,' મહિલાની માફી નહીં માંગું, એ ગુનેગાર છે. તે એનસીપીનાં કાર્યકર્તા છે એટલે જેમફાવે તેમ લૂંટ ન મચાવી શકે. એ ગુનેગાર છે. આમા માફી શાની માંગવાની.' જો કે થાવાણીએ અચાનક સૂર બદલીને માફી માગી લીધી છે.

આ હતી ઘટના

આ પહેલા રવિવારે ધારાસભ્ય બલરામ થાવાણીનો એક મહિલાને જાહેર રોડ પર માર મારતો વીડિયો સામે આવ્યો હતો. નરોડામાં પાણીની સમસ્યાને કારણે રવિવારે સ્થાનિક મહિલાઓ ધારાસભ્યની ઓફિસ બહાર વિરોદ કરવા એકત્રિત થઈ હતી. પરંતુ વિરોધ પ્રદર્શન દરમિયાન વાત વણસી અને થાવાણી અને તેમના કાર્યકર્તાઓએ જાહેરમાં જ મહિલા પર હાથ ઉપાડી દીધો. ન તો તેમને શરમ નડી, તો નો તેમન ભાન રહ્યું કે તે શું કરી રહ્યા છે. મહિલા સન્માનની વાતો કરનાર, બેટી બચાવોના નારા આપનાર ભાજપના ધારાસભ્યની આ શરમજનક હરકતને કારણે ભાજપ પર પણ સવાલો ઉઠ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાયો હતો.

ahmedabad Gujarat BJP news gujarat