ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે બીજેપીએ આપી સરપ્રાઇઝ

17 February, 2021 02:30 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો માટે બીજેપીએ આપી સરપ્રાઇઝ

દિનેશ પ્રજાપતિ

ગુજરાતમાં ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટે યોજાનાર પેટાચૂંટણી માટે બીજેપીએ ગઈ કાલે બે ઉમેદવાર દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાનાં નામ જાહેર કર્યાં હતાં. જે ઉમેદવારનાં નામ જાહેર થયાં છે એનાથી બીજેપીના કાર્યકરો અને આગેવાનોને સરપ્રાઇઝ થઈ છે એટલું જ નહીં, જે બે ઉમેદવાર જાહેર થયા તેમને પણ તેમનાં નામ સાંભળીને સરપ્રાઇઝ થવા સાથે આનંદ થયો હતો.

રામ મોકરિયા

ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયેલા અહમદ પટેલ અને અભય ભારદ્વાજનાં અવસાન થવાથી બે બેઠકો ખાલી પડી છે. આ બેઠકો ભરવા માટે પહેલી માર્ચના પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. ત્યારે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાતની રાજ્યસભાની આ બે બેઠક માટે ઉમેદવાર તરીકે દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાને પસંદ કર્યા છે. આ બન્ને ઉમેદવારો ૧૮ ફેબ્રુઆરીએ ઉમેદવાર ફૉર્મ ભરશે.

રામભાઈ મોકરિયાએ કહ્યું હતું કે ‘હું છેલ્લાં ૪૨ વર્ષથી પાર્ટીનો કાર્યકર છું. જે મળ્યું છે એનો મને આનંદ છે. પાર્ટીએ મને ટિકિટ આપી છે એનાથી મને સરપ્રાઇઝ થઈ છે. લોકોના વિકાસ માટે બધાના સહયોગથી કામ કરીશ. પાર્ટીના આગેવાનોના માર્ગદર્શનમાં સમાજનું, રાષ્ટ્રનું કામ કરીશ.’

દિનેશ પ્રજાપતિએ કહ્યું હતું કે ‘મારા જેવા એક નાના કાર્યકર્તાને ખૂબ મોટી જવાબદારી પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વએ સોંપી છે. મને કલ્પના નહોતી કે પાર્ટી મને આટલી મોટી જવાબદારી સોંપશે. પાર્ટીએ દરેક સમાજ માટે એક મેસેજ આપ્યો છે કે તમામ સમાજ માટે પાર્ટી કામ કરી રહી છે.’

gujarat ahmedabad bharatiya janata party shailesh nayak